ફાયર બ્રિગેડે 418 NOC આપ્યા પણ પોલીસે 5 વેપારીને જ ફટાકડાના લાઇસન્સ ઇસ્યૂ કર્યા

દિવા‌ળીના તહેવાર આડે હવે માત્ર બે દિવસ બાકી છે અને રવિવારથી દિવાળીના તહેવારો શરૂ થઇ રહ્યા છે ત્યારે શહેરમાં ફટાકડાનો વેપાર કરવા માગતાં 418 વેપારીને ફાયર વિભાગે એનઓસી આપી દીધા છે જ્યારે તેમની સામે પોલીસ તંત્રે અત્યાર સુધીમાં માત્ર 5 વેપારીને હંગામી ફટાકડા વેચાણના લાઇસન્સ ઇસ્યૂ કર્યાની હકીકત પ્રકાશમાં આવી છે. જો પોલીસ આ ગતિએ જ કામગીરી કરશે તો દેવદિવાળી આવી જશે ત્યારે પણ અનેક વેપારીઓ લાઇસન્સથી વંચિત રહેશે તેવી શકયતા વેપારીઓ સેવી રહ્યા છે. ટીઆરપી અગ્નિકાંડની દુર્ઘટના બાદ પોલીસ તંત્ર છાશ પણ ફૂંકી-ફૂંકીને પી રહ્યું છે અને તે પ્રજા માટે સારી બાબત જ છે, પરંતુ પોલીસ તંત્રની વધુ પડતી તકેદારી અને મંથર ગતિએ કામ કરવાની નીતિનો ભોગ દિવાળીના તહેવારોમાં ફટાકડાનો વેપાર કરી રહેલા નિર્દોષ વેપારીઓ બની રહ્યાનું ચિત્ર ઉપસ્યું છે.

દિવાળીના તહેવારમાં ફટાકડાનો વેપાર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાની ફાયર શાખાને એનઓસી માટે કુલ 473 વેપારીઓએ અરજી કરી હતી જેમાંથી ગુરુવારે રાત સુધીમાં 418 વેપારીને ફાયર એનઓસી આપી દેવાયા છે જ્યારે 55 વેપારીના ફાયર એનઓસી આપવાની કામગીરી બાકી છે અને તે પણ શુક્રવારે બપોર સુધીમાં આપી દેવાશે તેમ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *