જસદણ શહેરના વોર્ડ નં. 5 માં આવેલા સરદાર ચોકથી આંબલી ચોક તેમજ નવા બસ સ્ટેન્ડ સુધીના મુખ્ય માર્ગ પર લાંબા સમયથી મોટા ખાડાઓ પડી ગયા હતા. જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો, રાહદારીઓ તેમજ આસપાસના સ્થાનિક વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.
આ અંગે સ્થાનિક વેપારીઓ દ્વારા વોર્ડ નં. 5ના સભ્યો સમક્ષ યોગ્ય કામગીરી કરવા રજૂઆત કરવામાં આવી હતી. વેપારીઓની આ સમસ્યાને ધ્યાને લઈને વોર્ડ નં. 5ના સભ્યોએ તાત્કાલિક ધોરણે જસદણ નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી અને ચીફ ઓફિસર મેહુલ જોધપુરાનું ધ્યાન દોર્યું હતું.
પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે રજૂઆતને ગંભીરતાથી લઈ ત્વરિત પગલાં ભર્યા હતા અને સરદાર ચોકથી આંબલી ચોક સુધીના મુખ્ય માર્ગ પરના તમામ ખાડાઓનું સમારકામ શરૂ કરાવ્યું હતું. માર્ગનું સમારકામ પૂર્ણ થતાં જ વાહનચાલકો અને વેપારીઓને મોટી રાહત મળી છે.
આ ત્વરિત કામગીરી બદલ સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓએ નગરપાલિકા તંત્ર તેમજ વોર્ડ નં. 5ના પ્રતિનિધિ વિશાલભાઈ ભુવા, સભ્ય સુરેશભાઈ છાયાણી, પ્રતિનિધિ ભાવેશભાઈ છાયાણી અને સભ્ય મુકેશભાઈ જાદવનો આભાર વ્યક્ત કર્યો હતો.