રાજકોટ-ગોંડલ હાઇવે પર સર્જાયેલા વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક નિર્દોષ રિક્ષાચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે. હજુ ઘોઘાવદર રોડ પર કાર અને એક્ટિવાની ટક્કરમાં ત્રણના જીવ ગયાની ઘટના તાજી જ છે ત્યાં વધુ એક બનાવ બન્યો.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ-ગોંડલ હાઇવે પરથી GK03BX 1812 ઓટોરિક્ષા પસાર થઈ રહી હતી. આ દરમિયાન પાછળથી કાળ બનીને પૂરપાટ ઝડપે આવી રહેલી એક ”સુપર કેરી” GK03 CU 9184(માલવાહક ટેમ્પો) ના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી.
આ ટક્કર એટલી ભયંકર હતી કે ઓટોરિક્ષાનો કડૂચલો બોલી ગયો હતો અને રિક્ષાચાલક રાઘવજીભાઇ ઉર્ફે નાનજીભાઈ ચુડાસમા ઉ. વ. 56 ફંગોળાઈ ગયા હતા અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માત સર્જાતા જ હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને આસપાસથી પસાર થતા વાહનચાલકો તથા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા 108 અને પોલીસને જાણ કરાઇ હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પ્રાથમિક તપાસ કરી મૃતદેહને પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત સર્જનાર કેરીના ચાલક સામે પોલીસે ગુનો નોંધીને વધુ કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.