ધોરાજી યાર્ડ ફરી શરૂ, 300 મણ મગફળીની‎આવક નોંધાઈ, ભાવમાં રૂ. 460નો ઉછાળો

દિવાળીના વેકેશન બાદ લાભ પાંચમના દિવસે ધોરાજી માર્કેટિંગ યાર્ડ ફરી શરૂ થતાં મગફળીના વેપારની શરૂઆત આશાસ્પદ રહી હતી. પ્રથમ દિવસે યાર્ડમાં અંદાજે 300 મણ મગફળીની આવક નોંધાઈ હતી અને ખુલ્લા બજારમાં પ્રતિ મણ રૂ. 1,560 સુધીનો ભાવ મળ્યો હતો. ગત વર્ષે મગફળીના ભાવ રૂ. 950થી રૂ. 1,100 સુધી હતા. આમ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મણદીઠ મહત્તમ રૂ. 460નો વધારો નોંધાયો છે.

દિવાળીના તહેવારોને પગલે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં આશરે એક અઠવાડિયાની રજા જાહેર કરવામાં આવી હતી. લાભ પાંચમથી યાર્ડ ફરી શરૂ થતાં ખેડૂતો પોતાની જણસ વેચાણ માટે લઈને પહોંચ્યા હતા. મગફળીની આવક સાથે નવા વેપારી દિવસનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે જ 300 મણ જેટલી આવક નોંધાતાં યાર્ડમાં ફરી વેપારની ચહલપહલ જોવા મળી હતી.

ઓછા ઉત્પાદન વચ્ચે ભાવમાં વધારો‎
આ વર્ષે ગત વર્ષની સરખામણીએ મગફળીનું ઉત્પાદન ઓછું થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ઓછા ઉત્પાદનની અસર બજારભાવ પર પણ જોવા મળી રહી છે. ગત વર્ષે ખુલ્લા બજારમાં મગફળીના પ્રતિ મણ રૂ. 950થી રૂ. 1,100 સુધીના ભાવ મળતા હતા. જ્યારે આ વર્ષે લાભ પાંચમના પ્રથમ દિવસે જ પ્રતિ મણ રૂ. 1,560 સુધીનો ભાવ મળ્યો હતો. એટલે ગત વર્ષના મહત્તમ ભાવની સરખામણીએ આ વર્ષે રૂ. 460નો વધારો થયો છે.

ખેતીવાડી બજારમાં નવી રોનક જોવા મળી
મગફળીના ભાવમાં થયેલો વધારો ખેડૂતો માટે રાહતરૂપ બન્યો છે. જોકે, આ વર્ષે ઉત્પાદન ઓછું થતાં ઊંચા ભાવનો લાભ પાકની ઓછી ઉપજ સામે કેટલો સંતુલિત રહેશે તે ચિંતાનો વિષય છે. એક તરફ વેચાણ સમયે સારા ભાવ મળી રહ્યા છે, તો બીજી તરફ ઓછા ઉત્પાદનને કારણે કુલ આવક પર અસર થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. દિવાળીના વેકેશન બાદ યાર્ડ શરૂ થતાં ખેતીવાડી બજારમાં નવી રોનક જોવા મળી છે. પ્રથમ દિવસે નોંધાયેલી મગફળીની આવક અને મળેલા ઊંચા ભાવને પગલે આગામી દિવસોમાં યાર્ડમાં આવક વધવાની આશા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *