રાજકોટના આજીડેમ વિસ્તારમાં આવેલા ભારત નગર સર્વિસ રોડ પર આજે સવારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ગમારા પેટ્રોલ પંપ નજીક એક બાઈક અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 50 વર્ષીય આધેડનું ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
ડમ્પર ચાલકે એક બાઇકને અડફેટે લીધું
આજ રોજ સવારના સમયે ભારત નગર સર્વિસ રોડ પર ગમારા પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહેલા ગગજીભાઈ ટપુભાઈ ખોડાણીના બાઇકને એક ડમ્પર ચાલકે અડફેટે લીધું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ગગજીભાઈને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમયે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108ને જાણ કરવામાં આવતા 108ના ઈએમટી ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્ત ગગજીભાઈની તપાસ તેમને મૃત જાહેર કર્યા હતા.
ડમ્પર ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી
બનાવ અંગે પોલીસને જાણ થતા આજીડેમ પોલીસ ટીમે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.