રાજકોટના મવડી વિસ્તારના નામીચા પ્રિતેશ ઉર્ફે દિકુડાએ વધુ એક વાર આતંક મચાવ્યાનો બનાવ સામે આવ્યો છે. અગાઉ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચૂકેલા પ્રિતેશ ઉર્ફે દીકુડો ગોટેચાએ પાડોશમાં રહેતી મહિલાને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. એટલું જ નહીં પથ્થરમારો કરી તેની રીક્ષા અને મકાનમાં તોડફોડ કરી હતી. આ ઉપરાંત પિતાને પણ છરી બતાવી ધમકી આપી હતી. હાલ માલિવયાનગર પોલીસે અલગ અલગ બે ગુના નોંધી હિસ્ટ્રીશીટરની સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.
આરોપીએ પથ્થરના ઘા કરી રિક્ષામાં તોડફોડ કરી
રૂપલબેન ડાભીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પ્રિતેશ ઉર્ફે દિકુડો અલ્પેશભાઈ ગોટેચાનું નામ આપી જણાવ્યું હતું કે, 10 દિવસ પહેલા આરોપી અને તેના મિત્રો તેના ઘર પાસે ગાળાગાળી કરતાં હોવાથી તેના માતાએ આરોપીને ત્યાં બેસવાની ના પાડી હતી. જેનો ખાર રાખી પરમ દિવસે રાત્રે 10 વાગ્યે આરોપીએ તેને ગાળો ભાંડી હતી. જેના કારણે ડર લાગતા મકાનનો દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ આરોપીએ પથ્થરના ઘા કરી તેની રિક્ષામાં તોડફોડ કરી હતી. મકાન પર પણ પથ્થરમારો કરી તમે બધા કાલે ઘર ખાલી કરી જતા રહેજો, નહીંતર તમને પતાવી દઈશ અને રિક્ષા પણ સળગાવી નાખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો.
હું તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી
બીજી ફરિયાદ પ્રિતેશના પિતા અલ્પેશભાઈએ નોંધાવી છે જેમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે તેઓ ઘરે હતા, ત્યારે પુત્ર પ્રિતેશની પત્ની સાફસફાઈ કરતી હતી, ત્યારે આરોપીએ આવી તેની પત્ની નર્મદા સાથે ઝઘડો કર્યો હતો. તેણે ઝગડો કરવાની ના પાડતા પિતાને ગાળો ભાંડી છરી બતાવી તમે અમારા પતિ-પત્નીના ઝઘડામાં વચ્ચે નહીં પડતાં, તમે ઘરની બહાર નીકળી જાવ, નહીંતર હું તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.