રાજકોટ તાલુકાના સોખડા ગામે જમીનમાં ભાગ ન મળવાને કારણે 40 વર્ષીય યુવાને અનાજમાં નાખવાની દવા પી જતા તેને સારવારમાં દમ તોડ્યો છે તો એક મહિલાએ ભૂલથી એસિડવાળું પાણી પી જતા તેનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે પડોશીએ ફટાકડા ફોડતા યુવતી દાઝતા FIR દાખલ થઈ છે.
રાજકોટના સોખડા ગામમાં રહેતા 40 વર્ષીય વલ્લભાઈ ગોરિયાએ તા. 14 નવેમ્બરના રોજ બપોરના આશરે 2:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે અનાજમાં નાખવાની દવા પી લીધી હતી. બનાવને પગલે તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ અને સારવાર દરમિયાન સાંજે 6:30 વાગ્યે વલ્લભાઈને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માતે મોત અંગેની નોંધ કરવામાં આવી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ યુવાનને માતા-પિતા તરફથી સાયપરની 20 વીઘા જમીનમાં ભાગ આપવામાં આવ્યો ન હતો અને એક પણ જગ્યાએ જમીનમાં ભાગ આપતા ન હતા. જેને કારણે આ યુવાને આપઘાતનું અંતિમ પગલું ભરી લીધું હતું અને આ યુવાને જ્યારે દવા પીધી અને તેને શહેરના સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલી ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો ત્યારે પણ તેના પત્ની અને બાળકો સિવાય કોઈપણ ત્યાં ઉપસ્થિત ન હતું. જોકે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.