ઇન્ડિગો ગ્લોબલ, દર્પણ અને જય સરદાર સહિત પાંચ શાળા બંધ કરવા આદેશ કરાયો

રાજકોટ શહેરની ભાગોળે આવેલી જિલ્લા પંચાયત હસ્તકની પાંચ પ્રાથમિક શાળાઓ કોરોનાકાળ બાદ માત્ર કાગળ પર અસ્તિત્વ ધરાવતી હોવાનું ધ્યાનમાં આવતા ચોંકી ઉઠેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તેમની સામે હિયરિંગ કરી નવા શૈક્ષણિક સત્રમાં બંધ કરી દેવા આદેશ કર્યો હતો. તેમજ વધુ ચાર પ્રાથમિક શાળાઓ પણ બંધ કરવા તૈયારી હાથ ધરાઇ છે.

રાજકોટ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, કોરોનાકાળ બાદ રાજકોટ શહેરની ભાગોળે આવેલા અલગ-અલગ ગામોમાં આવેલી ચાર સહિત પાંચ સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા અપૂરતી હોવાનું અને તે માત્ર કાગળ પર ચાલતી હોવાનું બહાર આવ્યું હતું.

જેમાં વેજાગામ ખાતે ચાલતી ઇન્ડિગો ગ્લોબલ સ્કૂલ, લોધિકાના પાળ ગામે આવેલી દર્પણ વિદ્યાલય, ઢોલરા ગામે આવેલી જય સરદાર પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ અને જય સરદાર પ્રાથમિક શાળા અંગ્રેજી માધ્યમ, જામકંડોરણાના સાતોદડ ગામે આવેલી કલ્યાણજી વિદ્યાસંકુલનો સમાવેશ થાય છે. આ શાળાઓમાં કોરોનાકાળ બાદ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જતી હતી અને અપૂરતી સંખ્યાના કારણે તેને બંધ કરવા નિર્ણય કરાયો હતો. એક શાળાએ તો નોટિસ આપવા છતાં જવાબ રજૂ ન કરતા તેને દંડ પણ ફટકારાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *