ઉપલેટા નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવ્યા હોવા છતાં શહેરની દ્વારકાધીશ સોસાયટીમાં સામાન્ય વરસાદ બાદ પણ સ્થિતિ નર્ક સમાન બની છે.
વરસાદ બંધ થયાને 48 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સોસાયટીમાં ભરાયેલું વરસાદી પાણી અને કીચડ યથાવત રહેતાં સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
દ્વારકાધીશ સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા વરસાદ બાદ પાણીનો યોગ્ય નિકાલ ન થતાં સમગ્ર વિસ્તાર પાણી અને કીચડથી તરબતર બની ગયો છે.
સોસાયટીના 35થી 40 મકાનના રહેવાસીઓએ જણાવ્યું હતું કે શહેરના મુખ્ય વિસ્તારમાં આવેલી સોસાયટી હોવા છતાં પાલિકા દ્વારા નિયમિત સફાઈ કે પાણીના નિકાલ માટે અસરકારક કામગીરી કરવામાં આવતી નથી. માત્ર ઉપરછલ્લી કામગીરીથી સમસ્યા યથાવત રહે છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ સતત વરસાદી માહોલ વચ્ચે ભરાયેલા પાણી અને કીચડને કારણે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. રાહદારીઓ અને વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આખરે સ્થાનિક રહેવાસીઓ નગરપાલિકા કચેરીએ પહોંચી તાત્કાલિક સફાઈ, પાણીના નિકાલ અને કાયમી ઉકેલ માટે રજૂઆત કરી હતી.