ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસવાની 15 જૂન વિતી ચૂકી છે. ખેડૂતો વાવણીની તૈયારી કરીને બેઠા છે પણ વાવણી લાયક વરસાદની રાહ છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આ વર્ષના ચોમાસાને લઈ મહત્વની આગાહી કરી છે. તેમના મતે આ વર્ષે સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે અને ચોમાસું પણ મોડું બેસશે. પરંતુ, સાથે કહ્યું છે કે, લોકો અને ખેડૂતોએ ચિંતા્ કરવાની જરુર નથી. જૂન-જુલાઈમાં રાજ્ય દર વર્ષની માફક ઓછો વરસાદ થશે. પરંતુ, 15 ઓગસ્ટ બાદ વરસાદનો જે રાઉન્ડ આવશે તે આખા વર્ષનું ચિત્ર બદલી નાખશે. પરેશ ગોસ્વામીએ અલનીનોની ભારત અને ગુજરાત પર થનારી અસરને લઈ પણ મહત્વની વાત કરી હતી.
ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસાની વિધિવત શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ, આ વર્ષે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગોથી ચોમાસું આગળ વધ્યું ન હોય હજી ગુજરાતમાં પ્રવેશ થયો નથી. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, દક્ષિણ મહારાષ્ટ્ર સુધી પહોંચેલું નૈઋત્ય ચોમાસું હાલમાં નિષ્ક્રિય બન્યું છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં કોઈ મજબૂત હવામાન પ્રણાલી સક્રિય ન હોવા અને પવનની વધુ ઝડપને કારણે ચોમાસાની આગળ વધવાની પ્રક્રિયા અટકી ગઈ છે. તેમણે જણાવ્યું કે આગામી 24થી 36 કલાકમાં ચોમાસું ફરી ગતિ પકડી શકે છે અને ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધશે.
28 જૂન બાદ રાજ્યમાં વરસાદના મજબૂત રાઉન્ડની શક્યતા- પરેશ ગોસ્વામી આ દરમિયાન રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદ નોંધાયા છે. જોકે આ વરસાદ ખેતી માટે વાવણીલાયક નહીં હોય અને તેની તીવ્રતા સામાન્ય રહેવાની શક્યતા છે. પરેશ ગોસ્વામીએ ગુજરાત માટે વરસાદના ત્રણ રાઉન્ડની આગાહી કરી છે. પ્રથમ હળવો રાઉન્ડ હાલમાં ચાલી રહ્યો છે. બીજો રાઉન્ડ 22થી 25 જૂન દરમિયાન સક્રિય બનશે, જે દરમિયાન રાજ્યમાં વિધિવત ચોમાસાની શરૂઆત થવાની સંભાવના છે. ત્યારબાદ 28 જૂનથી 3 જુલાઈ સુધીનો ત્રીજો રાઉન્ડ ખૂબ જ મજબૂત સાબિત થઈ શકે છે.