રાજકોટના વોર્ડ નં. 7માં આવેલા ઢેબર રોડ પરના અત્યાધુનિક એસ.ટી. બસપોર્ટમાં છેલ્લા 8 દિવસથી મુસાફરો અને સ્થાનિક વેપારીઓ નરકાગાર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના જણાવ્યા અનુસાર, બસપોર્ટના કનક રોડ પરના ગેટ પાસે ત્રીજા માળની પાઈપોમાંથી ગંદા પાણીના ધોધ વહી રહ્યા છે, જે સીધા રાહદારીઓ અને મુસાફરો પર પડે છે.
આ ઉપરાંત, ભૂતખાના ચોકથી ફાયર બ્રિગેડ સુધીના મુખ્ય માર્ગો પર ગટરો ઉભરાઈ રહી છે. મ્યુનિસિપલ કમિશનરની કચેરીની નજીક જ ગંદા પાણીની રેલમછેલ અને અસહ્ય દુર્ગંધને કારણે વેપારીઓનું દુકાને બેસવું પણ મુશ્કેલ બન્યું છે. આ ગંભીર સમસ્યા અંગે મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્ર સિંહ ઝાલાએ સ્થળ મુલાકાત લીધી હતી.
સમિતિ દ્વારા સીટી ઇજનેર રાવલ અને ડેપ્યુટી એન્જિનિયર જીગ્નેશભાઈ સોલંકી સમક્ષ પુરાવા સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. તેમણે જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનારા જવાબદારો સામે કડક દંડનીય કાર્યવાહી કરવા અને ગટર લાઈનોની તાત્કાલિક સફાઈ કરી કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. જો વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.