15 ઓગસ્ટે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવી રહી છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવશે. રાજ્યકક્ષાના આ કાર્યક્રમને લઈને સમગ્ર અમરેલી શહેર અને જિલ્લો રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ રહ્યો છે.
સ્વાતંત્ર્ય પર્વના મુખ્ય સમારોહ દરમિયાન પોલીસ જવાનો દ્વારા ભવ્ય પરેડ યોજવામાં આવશે. શિસ્તબદ્ધ અને દિલધડક પોલીસ પરેડ અમરેલીવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અને જેલ પોલીસની મહિલા જવાનો દ્વારા રાઇફલ ડ્રીલની પ્રસ્તુતિ કરવામાં આવશે.
સમારોહને વધુ ભવ્ય બનાવવા માટે વિવિધ સાંસ્કૃતિક અને સાહસિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલીની વિદ્યાસભા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવશે. સાથે જ યોગના વિવિધ આયામોની પ્રસ્તુતિ, ડોગ-શો, બાઈક સ્ટંટ શો, ‘માઉન્ટેડ અશ્વ-શો’ અને ‘ટેન્ટ પેગીંગ’ સહિતના કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમ દરમિયાન કોઈ કચાશ ન રહે તે માટે વિવિધ વિભાગો દ્વારા સંકલન સાથે કામગીરી કરવામાં આવી રહી છે. સમગ્ર અમરેલી જિલ્લો રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ રહ્યો છે.