રાજકોટમાં ગઈકાલે(13 ઓગસ્ટ) ભર નીંદરમાં સુતેલા પુત્રને હથોડાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેનાર પિતાની ભક્તિનગર પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે.
મૃતકની માતા હંસાબેન સવસેતાએ ફરિયાદમા જણાવ્યું હતું કે, મારો પતિ ચોરી ચપાટી કરે છે, સાવ હલકટ, વ્યાભિચારી અને બારસલ્લો છે. સુધરવાનું નામ નથી લઇ રહ્યો જેના કારણે મારા દીકરા અને પતિ વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હતા. દીકરો પણ તેને આ બાબતે વારંવાર ટોકતો પણ હતો. ગઈકાલે દીકરો ઘરે સૂતો હતો, આ દરમિયાન આવી પતિએ લોખંડના હથોડાના ઘા માથાના ભાગે તેમજ ડાબી આંખના ઉપરના ભાગે મારી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, ગૃહક્લેશથી કંટાળી છેલ્લા એકાદ મહિનાથી માતા તેની દીકરીના ઘરે રહેવા ગયા હતા અને આહીર ચોકમાં પિતા-પુત્ર એકલા જ રહેતા હતા.
રાજકોટના આહીર ચોક નજીક નહેરુનગર શેરી નંબર 8માં રહેતા બાબુભાઇ સવસેતાએ ઘરે જ સાંજના સમયે ભર નીંદરમાં સુતેલા પુત્રને હથોડાના ઘા ઝીંકી પતાવી દીધો અને બાદમાં આરોપી થોડો સમય નજીકના ગાર્ડનમાં બેઠો હતો. ત્યારબાદ ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચીને હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસ આરોપી પિતાને સાથે લઇ ઘટનાસ્થળે પહોંચતા લોહીથી લથપથ હાલતમાં પુત્રની લાશ જોવા મળી હતી. FSLની મદદ લઇ બાદમાં મૃતદેહને પોસમોર્ટમ માટે ખસેડાયો હતો.
3 બહેનોનો એકનો એક ભાઈ, રીલ બનાવતો હંસાબેન સવસેતાને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો રામ હોવાનું સામે આવ્યું છે. મૃતક દીકરો રામ 33 વર્ષનો હતો તે મોબાઈલની દુકાનમાં અગાઉ કામ કરતો હતો, પરંતુ આ નોકરી થોડા સમય પહેલા છોડી દીધી હતી. અને સોશિયલ મીડિયામાં અલગ રીલ્સ બનાવી અને ઇન્ફ્લુએન્ઝર તરીકે પ્રખ્યાત હતો, ઇન્સ્ટાગ્રામમાં 54000 ફોલોઅર્સ પણ ધરાવે છે.