રાજકોટમાં પોલીસને જોઈને બુટલેગરે કાર રોંગ સાઈડમાં ભગાવવા જતા શખ્સે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા અન્ય કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. ભાવનગર હાઈવે પર દારૂના જથ્થા સાથે જતા આ શખ્સનો એર બેગના કારણે બચાવ થયો હતો. જોકે પોલીસે તેને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ક્રેટાચાલકે પોલીસને જોઈને કાર રોંગ સાઇડમાં ભગાવી
રાજકોટ-ભાવનગર હાઈવે પર લાખાપર ગામ પાસે કારમાં દારૂનો જથ્થો લઈ જવાનો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જોકે તે સમયે સરધાર રોડ પરથી આવતા ક્રેટા કારના ચાલકે પોલીસને જોઈને કાર રોંગ સાઇડમાં ભગાવી હતી. જોકે તે સમયે તેણે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા સામેથી આવતી અન્ય કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. જેને લીધે કાર સાઈડમાં ઉતરી ગઈ હતી.
એર બેગ ખૂલતાં બૂટલેગર બચી જતા પકડાયો
અકસ્માત સર્જાતા એર બેગ ખૂલી ગઈ હતી. જેથી તે શખ્સ બચી ગયો હતો પરંતુ પોલીસના હાથે પકડાઈ ગયો હતો. પોલીસે આ શખ્સની પૂછપરછ કરતા તે શહેરના દૂધસાગર રોડ ઉપર રહેતો અને મજૂરી કામ કરતો દિપક ઉર્ફે દિપક માજોડી મકવાણા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની પાસેથી રૂ.57,600 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મહિલાનો ગળાફાંસો ખાઈ આપઘાત
રાજકોટના વાવડી ગામે વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પટેલ ચોક પાસે રહેતી મહિલાએ ગળાફાંસો ખાઈ લીધાની ઘટના સામે આવી છે. 23 વર્ષીય ફુલકુમારી સીરપુજન રાય આજે 28 સપ્ટેમ્બરના બપોરના સમયે પોતાના ઘરે હતી ત્યારે ગળાફાંસો ખાઈ લેતા તેને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે તબીબોએ તેને તપાસી મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી જોકે યુવતીએ કયા કારણોથી આપઘાત કર્યો તે સામે આવ્યું નથી.