અલ્પેશ ડાભીને આજીવન કેદની સજા ફટકારાઇ, વર્ષ 2021માં ઘર આંગણે રીક્ષા રાખવા બાબતે ઝઘડામાં હત્યા કરી હતી

શહેરના ગંજીવાડા શેરી નં.41ના મકાનમાં તારીખ 30 ઓગસ્ટ 2021ના રોજ રાત્રિના સમયે અજય ધીરુભાઈ રાઠોડ અને તેમના બનેવી અશોકભાઈ લીંબાભાઈ એંધાણી બેઠા હતા. આ દરમિયાન પાડોશમાં રહેતા અલ્પેશ સોમજીભાઈ ડાભીએ આવીને પોતાની રિક્ષા નડતરરૂપ થાય તે રીતે પાર્ક કરી હતી. અજય રાઠોડે આ રિક્ષા હટાવવાનું કહેતા જ આરોપી અલ્પેશ અને તેના ભાઈ મહેશે ગાળાગાળી શરૂ કરી દીધી હતી.

હિંસક હુમલો અને ગુનો આ ઝઘડા દરમિયાન અજયના બનેવી અશોકભાઈ એંધાણીએ વચ્ચે પડીને સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. તેનાથી ઉશ્કેરાઈને અલ્પેશ ડાભીએ છરી વડે બંને પર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અશોકભાઈનું લાંબી સારવાર બાદ મોત નીપજ્યું હતું, જ્યારે અજય રાઠોડનો બચાવ થયો હતો.આ બનાવ અંગે પોલીસ તપાસના અંતે અલ્પેશ અને મહેશ ડાભી વિરૂદ્ધ હત્યા તથા હત્યાની કોશિશનો ગુનો નોંધી ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

અદાલતમાં બચાવ પક્ષ અને સરકારી વકીલની દલીલો કોર્ટમાં સુનાવણી દરમિયાન બચાવ પક્ષે એવી દલીલ કરી હતી કે આ ઝઘડો ગેરકાનૂની દારૂના વેપાર અંગે થયો હતો અને ઘટનાસ્થળે ઘણા માણસો ભેગા થઈ ગયા હોવાથી કોણે ઈજા પહોંચાડી તે નક્કી ન કહી શકાય.વળી, કોઈ નિષ્પક્ષ સાહેદની જુબાની પણ લેવાઈ નથી.

તેની સામે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ ધારદાર રજૂઆત કરતા જણાવ્યું કે, આરોપી અલ્પેશના કપડાં અને છરી પરથી મૃતકનું લોહી મળી આવ્યું છે, જે એક સચોટ વૈજ્ઞાનિક પુરાવો છે. વળી, આવા ગંભીર ગુનામાં જ્યારે મજબૂત વૈજ્ઞાનિક પુરાવા હોય, ત્યારે કોઈ નિષ્પક્ષ સાહેદની જુબાનીની જરૂર રહેતી નથી.

અદાલતનો અંતિમ ચુકાદો બંને પક્ષોની દલીલો અને પુરાવાઓ ધ્યાને લીધા બાદ, પ્રિન્સિપાલ સેશન્સ જજ જે. આર. શાહ સાહેબે આરોપી મહેશ ડાભીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂક્યો હતો. જ્યારે મુખ્ય આરોપી અલ્પેશ ડાભી (ઉંમર વર્ષ 25)ને અશોકભાઈની હત્યા અને અજય રાઠોડની હત્યાની કોશિશના ગુનામાં તકસીરવાન ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *