રાજકોટમાં ચોમાસાને લઇને ફ્લડ કંટ્રોલરૂમ શરૂ

રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે 1 જૂનથી ચોમાસાને લઈને ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો છે. જે 30 નવેમ્બર સુધી ચાલશે. જે માટે 0281 – 2471573 નંબર જાહેર કરવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન દર બે કલાકે પડતા વરસાદની માહિતી આ કંટ્રોલરૂમમાં એકત્રિત કરવામાં આવશે. જે દરમિયાન વધુ વરસાદ પડે તે વિસ્તારમાં રાહત બચાવ કાર્ય માટે NDRF ની ટીમ મોકલવામાં આવશે. ચોમાસા દરમિયાન લોકો કે પશુ જાનહાનિ ન થાય તે માટે આ ફ્લડ કંટ્રોલરૂમ કાર્યરત રહેશે.

કલેકટર કચેરી ખાતેના ડિઝાસ્ટર મામલતદાર મીરાબેન જાનીએ દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યુ હતુ કે,ફ્લડ કંટ્રોલરૂમ 24 કલાક કાર્યરત રહેશે. જેમાં 3 શિફ્ટમાં ક્લાસ 3 ના 3 કર્મચારીઓ ફરજ બજાવશે. જેમાં સવારે 7 થી બપોરે 2, બપોરે 2 થી રાત્રે 10 અને રાત્રે 10 થી સવારે 7 વાગ્યા સુધી ધમધમતો રહેશે. જેમાં દર બે કલાકે આવતા વરસાદના આંકડા ગાંધીનગર વડી કચેરી ખાતે મોકલવાના રહે છે.

રાજકોટ શહેર અને તાલુકો ઉપરાંત અન્ય 10 તાલુકાઓમાં પડતા વરસાદની માહિતી ફ્લડ કંટ્રોલરૂમના કર્મચારી દ્વારા એકત્રિત કરવાની રહે છે. હાલ તો રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદ પડી રહ્યો નથી પરંતુ વરસાદ શરૂ થતાની સાથે જ દર બે કલાકે પડતા વરસાદની માહિતી મોકલવાની રહેશે. જે દરમિયાન કોઈ જગ્યાએ વધુ પાણી ભરાઈ ગયું હોય અને વિકટ પરિસ્થિતિ હોય તો તેની જાણ પણ ગાંધીનગર ડિઝાસ્ટર વિભાગને કરવાની હોય છે. ચોમાસા દરમિયાન રાજકોટ ખાતે જરૂરિયાત મુજબ NDRF ની ટીમ પણ મોકલવામાં આવશે. જે રાહત બચાવ કાર્ય કરશે.

આ અંગે અગાઉ રાજકોટ સિંચાઈ વિભાગ (રાજ્ય)ના કાર્યપાલક ઈજનેર આકાશ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં સિંચાઈ વિભાગ હસ્તકની તમામ પ્રિ-મોન્સૂન પ્રીપેર્ડનેસની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.જિલ્લામાં આવેલા 27 ડેમને લગતા સમારકામ અને જાળવણીના કામો ચોમાસું બેસે તે પહેલાં જ પૂર્ણ કરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, રાજકોટ સિંચાઈ તંત્ર દ્વારા ચોમાસા દરમિયાન કોઈપણ વિપરીત પરિસ્થિતિને પહોંચી વળવા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *