ગુજરાતી પરંપરા મુજબ સ્વાગત કરાતા સુપરસ્ટાર મમૂટી ટ્રોલ થયા, એક્ટર યુસુફ બોલ્યા- નફરત ફેલાવનારા કૂવામાંના દેડકા

ગુજરાતમાં આયોજિત નેશનલ અવોર્ડ સેરેમની દરમિયાન નેશનલ અવોર્ડ વિજેતા અભિનેતા મમૂટીનું તિલક લગાવીને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુસ્લિમ હોવા છતાં કપાળ પર તિલક લગાવવાને લઈને સોશિયલ મીડિયા પર મમૂટીની આકરી ટીકા કરવામાં આવી રહી છે. ઘણા યુઝર્સ તેને ઇસ્લામનું અપમાન અને ધર્મ વિરુદ્ધનું કૃત્ય ગણાવી રહ્યા છે.

આ વિવાદને લઈને મલયાલમ અભિનેતા અને ફિલ્મમેકર હરિશ્રી યુસુફે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને ટ્રોલર્સને જવાબ આપ્યો છે. હરિશ્રીએ કહ્યું કે તિલક લગાવવું મહેમાનોના સ્વાગતની ભારતીય પરંપરા છે અને ધર્મનો હેતુ મનુષ્યોને વધુ સારા બનાવવાનો છે, એકબીજા સાથે લડાવવાનો નહીં.

મમૂટીને તાજેતરમાં ફિલ્મ ‘ભ્રમયુગમ’ માટે નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો છે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેમના સ્વાગત માટે કપાળ પર તિલક લગાવવામાં આવ્યું હતું. તેનો વીડિયો સામે આવ્યા બાદ એક્સ અને ઇન્સ્ટાગ્રામ પર કેટલાક યુઝર્સ મમૂટીની ટીકા કરવા લાગ્યા.

અબ્બાસ નામના એક યુઝર સહિત અનેક લોકોએ લખ્યું કે મુસ્લિમ હોવા છતાં કપાળ પર તિલક લગાવવું ઇસ્લામ વિરુદ્ધ છે અને તેનાથી ધર્મનું અપમાન થયું છે. જોકે અનેક પ્રશંસકોએ મમૂટીનો બચાવ કરતાં તેને માત્ર એક સાંસ્કૃતિક સ્વાગત ગણાવ્યું.

‘ટ્રોલ કરનારા કૂવામાંના દેડકા’

સોશિયલ મીડિયા પર થઈ રહેલી નિવેદનબાજી અંગે મલયાલમ એક્ટર હરિશ્રી યુસુફે એક વીડિયો જાહેર કરીને ટીકા કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો. યુસુફે ટ્રોલર્સને ‘કૂવામાંના દેડકા’ ગણાવતાં કહ્યું કે, અમે કલાકારો સંકુચિત વિચારસરણી ધરાવતા નથી, અમારી વિચારસરણી વ્યાપક હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *