સુરતના 100થી વધુ પદયાત્રિકનું‎ વીરપુર ધામમાં ભક્તિભીનું સ્વાગત

વીરપુરમાં સંત શિરોમણી જલારામ બાપાની 227મી જન્મજયંતિની ઉજવણીને લઈને ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો છે. જન્મજયંતિ નિમિત્તે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જલારામ બાપાના દર્શનાર્થે વીરપુર ધામમાં ઉમટી રહ્યા છે. સુરતના ગભેણી અને મગદલ્લા ગામના 100થી વધુ પદયાત્રીનો સંઘ ‘જય જલારામ’ના ગગનભેદી નાદ સાથે વીરપુર આવી પહોંચ્યો હતો.

20 વર્ષથી જાળવી રાખેલી આ પદયાત્રાની પરંપરા મુજબ દિવાળી પહેલાં સુરતના ગભેણી ગામેથી નીકળેલા આ સંઘમાં નાના બાળકો, મહિલાઓ અને પુરુષો સહિત 100થી વધુ શ્રદ્ધાળુ જોડાયા હતા.

લાંબી પદયાત્રા પૂર્ણ કરીને વીરપુરની પાવન ભૂમિ પર પહોંચેલા પદયાત્રીઓએ જલારામ બાપાની આરતી ઉતારી, ધૂન બોલાવી અને બાપાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.

વરસાદી માહોલ હતો છતાં કોઇ પરેશાની ન થઈ
આ પ્રસંગે પદયાત્રી સંઘના પરેશભાઈ પટેલ અને બીપીનભાઈ મોદીએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપાની જન્મજયંતિ નિમિત્તે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર યાત્રા દરમિયાન વરસાદી વાતાવરણ હોવા છતાં જલારામ બાપાની કૃપાથી કોઈપણ પદયાત્રીને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહોતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *