સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ટેક રાજકોટ ચેપ્ટર દ્વારા ઇતિહાસ ભવનના સહયોગથી નેશનલ હેરિટેજ ક્વિઝ 5.0 નું આયોજન કરવામાં આવ્યું હતું. ધો.7 થી 10 માં અભ્યાસ કરતા 140 વિદ્યાર્થીઓની 70 ટીમે ભાગ લીધો હતો. જેમાં બોલિવૂડ ફિલ્મ PK માં PK ના નિવાસ સ્થાન તરીકે અગ્રસેન કી બાવલી, મધ્યપ્રદેશમાં ચંદેલ રાજવંશે બનાવેલા ખજુરાહોના મંદિરો અને કોંકણની કાવી કાળે લોકકળા જેવા સવાલો પૂછવામાં આવ્યા હતા.
જેમાં રાજકોટના ક.બા.ગાંધી ડેલો, મહાત્મા ગાંધી મ્યુઝિયમ, જયુબેલી અને લાખાજીરાજ માર્કેટની સાથે આર્ટ, કલ્ચર, ભાષા, કલા, સંસ્કૃતિની વિરાસતને ઉજાગર કરવામાં આવી હતી. અહીં દાદીમાંની રેસીપીને પણ હેરિટેજ ગણાવવામાં આવી હતી. જિલ્લા કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ રાજકોટનું નામ રોશન કરશે.
ઇન્ટેક સાથે લાઈફ મેમ્બર તરીકે કામ કરતા નિયતિ શાહે જણાવ્યું હતું કે, ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ આખા દેશમાં ફેલાયેલું ઓર્ગેનાઈઝેશન છે. જે આપણા વારસા સંરક્ષણ માટે ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે. જેમાંનું એક ચેપ્ટર રાજકોટ છે. જેમાં 100 થી પણ વધુ સભ્યો જોડાયેલા છે. જેના દ્વારા આ કોમ્પિટિશન અમે યોજીએ છીએ. આર્ટ, કલ્ચર, ભાષાઓ, સ્થાપત્યો, કલા, સંસ્કૃતિને લગતી આ ક્વિઝ છે. આજે આ ક્વિઝમાં રાજકોટ શહેરમાંથી 70 ટીમ ભાગ લઈ રહી છે. જેમાં 140 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.