8 લાખના ચેક રિટર્ન કેસમાં PGVCL કર્મચારીની સજા યથાવત

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને PGVCLમાં ફરજ બજાવતા યશરાજ અનકભાઈ બોઘરાને રૂ. 8 લાખના ચેક રિટર્ન કેસમાં ટ્રાયલ કોર્ટે ફરમાવેલી સજા રાજકોટની સેશન્સ કોર્ટે યથાવત રાખી છે. કોર્ટે તેમની અપીલ નામંજૂર કરવાની સાથે-સાથે અપીલ પેન્ડિંગ રહે તે દરમિયાન જામીન પર મુક્ત કરવાની અરજી પણ ફગાવી દીધી છે.

બે વખત ચેક રિટર્ન થવાની ઘટના ગાંધીગ્રામમાં રહેતા નિતાબેન નરેન્દ્રભાઈ શાહે તેમના પડોશી યશરાજ બોઘરા વિરુદ્ધ 8 લાખના ચેક રિટર્ન અંગે ફરિયાદ નોંધાવી હતી. આરોપીને નાણાકીય જરૂરિયાત ઊભી થતાં તેમણે ફરિયાદી પાસેથી સંબંધના દાવાસર 8 લાખ મેળવ્યા હતા, પરંતુ રકમ પરત કરવા આપેલો ચેક પરત ફર્યો હતો. આ અંગે કેસ ચાલ્યા બાદ સજા થતાં અપીલ દરમિયાન બંને પક્ષે સમાધાન થયું હતું અને ફરીથી 8 લાખનો ચેક આપવામાં આવ્યો હતો. જોકે, આ નવો ચેક પણ રિટર્ન થતાં ફરીથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલે ટ્રાયલ કોર્ટે આરોપીને એક વર્ષની સજા તથા 8 લાખ એક માસમાં ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો હતો અને રકમ નહીં ચૂકવે તો વધુ છ માસની સાદી સજાનો આદેશ આપ્યો હતો.

સેશન્સ કોર્ટનું અવલોકન અને કાનૂની તર્ક ટ્રાયલ કોર્ટના આ હુકમ સામે આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન સેશન્સ કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદીએ દસ્તાવેજી તથા મૌખિક પુરાવાઓ દ્વારા કાયદેસરનું લેણું મજબૂતાઈથી પુરવાર કર્યું છે. ખાસ કરીને, ચેક પરની સહી અંગે પણ આરોપી દ્વારા કોઈ ઇનકાર કરવામાં આવ્યો નહોતો. ફરીયાદ પક્ષના પુરાવાનું યોગ્ય ખંડન કરવા માટે આરોપી તરફથી કોઈ સચોટ અને મજબૂત પુરાવો રેકોર્ડ પર રજૂ કરવામાં આવ્યો ન હતો. ઉપરાંત, રેકોર્ડ પર એવા પણ પુરાવા આવ્યા હતા કે આરોપી સામે અગાઉ પણ ચેક રિટર્નના અનેક કેસો ચાલી રહ્યા છે.

‘હેબિચ્યુઅલ ઓફેન્ડર’ ગણી કોર્ટે નરમાઈ દાખવવાનો કર્યો ઇનકાર કોર્ટે અવલોકન કર્યું હતું કે આરોપી આવા ગુનાઓ કરવાની ટેવ ધરાવતો હોવાથી તે ‘હેબિચ્યુઅલ ઓફેન્ડર’ (ટેવગત ગુનેગાર) સાબિત થાય છે, જેથી તેની સામે કોઈ પણ પ્રકારની રહેમ રાખી શકાય નહીં. આ ગ્રાઉન્ડ્સને ધ્યાને લઈ સેશન્સ કોર્ટે ટ્રાયલ કોર્ટના સજા તથા વળતરના હુકમમાં હસ્તક્ષેપ કરવાનું કોઈ સમર્થન કે આધાર ન હોવાનું ઠરાવી આરોપીની અપીલ અને જામીન અરજી બંને ફગાવી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *