રાજકોટ શહેરમાં મંજૂરી વિના સ્થળ ફેરફાર કરતી શાળાઓ સામે શિક્ષણ વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. પેડક રોડ પરની ન્યૂ ફ્લોરા અને ભક્તિનગર સર્કલ પાસેની અંબિકા વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓને મંજૂર સ્થળને બદલે અન્ય જગ્યાએ ભણાવવામાં આવતા હતા. જોકે લાંબા સમયથી શિક્ષણ વિભાગને ઉલટા ચશ્મા પહેરાવતા તત્વો કોંગ્રેસના ઝોનલ પ્રવક્તાની રજૂઆત બાદ ખૂલ્લા પડ્યા હતા. પ્રથમ વખત હોયરિંગમાં ન્યૂ ફ્લોરા સ્કૂલના સંચાલકો તો ઉપસ્થિત પણ નહોતા રહ્યા. જોકે હવે DEO દ્વારા 14 નંબરની સ્કૂલ બંધ કરવાની નોટિસ ફટકારવામાં આવતા મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, વર્ષ 2024 માં TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટના પેડક રોડ ઉપર આવેલી ન્યુ ફ્લોરા સ્કૂલ પાસે ફાયર NOC અને BU (બિલ્ડીંગ યુઝ) સર્ટિફિકેટ ન હોવાને કારણે મહાનગરપાલિકાએ સીલ કરી હતી. આજે અમને ત્યાં બીજી માહિતી એ મળી છે કે, સ્થળ ફેરફારની મંજૂરી વિના જ આ સ્કૂલ અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરી દેવામાં આવે. આસપાસના સ્થાનિકોના કહેવા મુજબ જે જગ્યાએ સાડીનું કારખાનું હતું ત્યાં પાર્ટીશન ઊભા કરી કોઈ પણ પ્રકારની મંજૂરી વિના સ્કૂલ શરૂ કરી દેવામાં આવી. છેલ્લા બે વર્ષથી આ સ્કૂલ ધમધમે છે છતાં મહાનગરપાલિકા કે શિક્ષણ વિભાગે અહીં તપાસ માટેની તસ્દી ન લીધી.
હવે અમે જ્યારે રજૂઆત કરી ત્યારે મહાનગરપાલિકાએ 18 જુલાઈના આ સ્કૂલને ફાયર એનઓસી ન હોવા બાબતે નોટિસ ફટકારી. સાડીના કારખાનામાં દીવાલો ઊભી કરી પતરાના શેડ પર સ્કૂલ શરૂ કરી દેવામાં આવી છે. અહીં 450 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમની સલામતી પર મોટું જોખમ ઉભુ થયું છે. અહીં કોઈ અકસ્માત થાય તો તેના માટે જવાબદાર કોણ? અહીં એન્ટ્રી અને એક્ઝિટ એક જ છે. જે ફાયર વિભાગના નિયમોની વિરુદ્ધ છે.