રાજકોટમાં યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ તેમજ સેવન કરનારા ઇસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માટે “SAY NO TO DRUGS” મિશન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત એસઓજી (નાર્કોટીક્સ સેલ) ની ટીમને એક મોટી સફળતા મળી છે. SOGની ટીમે માધાપર બેડી બાયપાસ રોડ પર આવેલા મારૂતી સુઝુકી સર્વિસ સ્ટેશનની પાસે, રેલનગર તરફ જવાના રસ્તેથી એક શખ્સને માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી.)ના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.
39 વર્ષીય નરેન્દ્ર રામોલિયા નામના આ શખ્સ પાસેથી 42.08 ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ્સ (એમ.ડી.) કિંમત રૂ. 1,27,240 તેમજ મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂ. 1,38,510 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ આરોપી વિરૂદ્ધ પ્રધ્યુમનનગર પોલીસમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પ્રાથમિક તપાસમાં આરોપી વિરુદ્ધ જૂનાગઢમાં નકલી ચલણી નોટનો ગુનો નોંધાઈ ચુક્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને રાજકોટમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.