રાજકોટથી મોરબી તરફ પૂરઝડપે જઈ રહેલી સ્વિફ્ટ કાર ટંકારા નજીક 8થી વધુ વખત પલટી ગઈ હતી. જે બાદ ઈલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈ હતી. કારમાં સવાર બે યુવકો 15 ફૂટ ઉછળી રોડ પર પટકાયા હતા. જેથી બન્નેના મોત થયા છે. જ્યારે એક યુવક ઈજાગ્રસ્ત છે. શનિવારે સવારે 8:30 વાગ્યાની આસપાસ ખજૂરા હોટલ પાસે આ અકસ્માત થયો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
પૂરઝડપે આવતી કાર ગોળાઈ મારતી વખતે બેકાબૂ બની
ગત શનિવારે સવારે રાજકોટમાં રહેતા જીવણ સવજી ડાભી, અમન ગણેશ બાબરીયા તેમજ પ્રભાત લામકા ત્રણેય સ્વિફ્ટ કાર લઈને રાજકોટથી મોરબી જવા નીકળ્યા હતા. આ ત્રણેય યુવાન ફ્લાવર ડેકોરેશનનું કામ કરતા હતા. જે કામ અર્થે જ મોરબી આવી રહ્યા હતા. આ દરમિયાન મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા નજીક ઓવરસ્પિડ હોવાથી ગોળાઈમાં કારનો ટર્ન લાગ્યો ન હતો. જેથી ચાલક અમને સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર એક બાદ એક 8થી વધુ ગુલાટી ખાઈ ગઈ હતી. જે બાદ ટીસી સાથે અથડાઈ હતી.
બે યુવકો કારમાંથી બહાર ફંગોળાયા
આ અકસ્માત એટલો ગંભીર હતો કે, કાર જ્યારે પલટી ખાઈ ત્યારે તેમાં બેઠેલા ત્રણ યુવાન પૈકીના કાર ચાલક અમન અને આગળ બેઠેલો યુવક પ્રભાત બન્ને કારમાંથી બહાર ફંગોળાઈ 15 ફૂટ ઊંચા ઉડીને રોડ પર પટકાયા હતા. જેથી તેઓને માથામાં તેમજ શરીરના અન્યભાગમાં ગંભીરઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે કારની પાછળની સીટ પર સવાર જીવણભાઈને ઇજાઓ થઈ હતી. જેથી તેને રાજકોટની મધુરમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.