અમિતાભ બાદ રાજ કપૂરની બહેનનો પ્રોપર્ટી વિવાદ

દિગ્ગજ એક્ટ્રેસ નિમ્મીના નિધનના 6 વર્ષ બાદ તેમની કરોડોની સંપત્તિને લઈને વિવાદ ઊભો થયો છે. મુંબઈ પોલીસે તેમના પૂર્વ કેરટેકર વિરુદ્ધ 1.77 કરોડ રૂપિયાની FD, જ્વેલરી અને ફ્લેટ્સ હડપવાના આરોપમાં FIR નોંધાવી છે. 50ના દાયકામાં પોતાની સુંદરતા અને અભિનયથી ઓળખ બનાવનાર નિમ્મીનું જીવન પણ કોઈ ફિલ્મી કહાણીથી ઓછું નહોતું. તેઓ દિલીપ કુમારને પસંદ કરતા હતા, જ્યારે મધુબાલાએ એક વખત તેમને કહ્યું હતું કે જો તેઓ દિલીપ કુમારને પ્રેમ કરે છે, તો તે તેમની જિંદગીમાંથી દૂર થઈ જશે.

દિવંગત એક્ટ્રેસ નિમ્મીના સંબંધીએ કેરટેકર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અને નિમ્મીના સંબંધિ મોહમ્મદ યુનુસ સલીમ દુર્રાણી (48)ના જણાવ્યા મુજબ, જુહૂ સ્થિત નિમ્મીના બે ફ્લેટ્સની કિંમત આશરે 7-8 કરોડ રૂપિયા છે. ઉપરાંત, 1.77 કરોડ રૂપિયાની એફડી, જ્વેલરી અને કાર પણ તેમની સંપત્તિમાં સામેલ હતી. આરોપ છે કે એક્ટ્રેસના નિધન બાદ તેમના કેરટેકરે એફડીની રકમ હડપી લીધી, કારને ભંગારમાં વેચી દીધી અને ફ્લેટ્સ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો. નિમ્મીએ સ્ક્રીનરાઇટર અલી રઝા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને કોઈ સંતાન નહોતું. તેથી તેમણે બહેનના પુત્ર અલી સૈય્યદ પરવેઝને દત્તક લીધો હતો અને વસિયતમાં મિલકત તેના નામે કરી દીધી હતી.

પતિના મૃત્યુ બાદ નિમ્મી એકલા રહેતા હતા, જ્યારે તેમનો દત્તક પુત્ર પરવેઝ મૅન્ચેસ્ટરમાં રહેતો હતો. અંતિમ સમયમાં કેરટેકર જ તેમના ઘર અને નાણાંકીય બાબતોની દેખરેખ રાખતો હતો. નિમ્મીએ હાઉસહેલ્પ અસ્રાર શેખ સાથે એક સંયુક્ત ખાતું પણ ખોલાવ્યું હતું.

2020માં નિમ્મીના નિધન બાદ તેમના દત્તક પુત્રનું પણ નિધન થયું, ત્યારબાદ કેરટેકરે ઘરમાં રાખેલી સોના-ચાંદીની જ્વેલરી, 2 કરોડની એફડી અને 2 ફ્લેટ પર કબજો કરી લીધો. હાલમાં મામલાની તપાસ ચાલી રહી છે.

રાજ કપૂરે ફિલ્મ ‘બરખા’ દ્વારા નિમ્મીનો હિન્દી સિનેમામાં પરિચય કરાવ્યો હતો. નિમ્મી પોતાની માસી જ્યોતિ સાથે ફિલ્મ ‘અંદાજ’નું શૂટિંગ જોવા મહબૂબ સ્ટુડિયો પહોંચ્યાં હતાં. ત્યારે રાજ કપૂર તેમની સુંદરતાથી પ્રભાવિત થઈ ગયા અને તેમને ફિલ્મમાં કાસ્ટ કરી લીધા. સેટ પર નિમ્મી ડરી-ડરીને રહેતાં હતાં, તેથી રાજ કપૂરે તેમને રાખડી બંધાવી પોતાની માનેલી બહેન બનાવી લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *