રાજકોટ મનપા દ્વારા ગ્રુપ, ઇન્ડિવિડ્યુઅલ, ડેકોરેટિવ વિભાગમાં કલાકારોને 2500થી 5000 સુધીના રોકડ પુરસ્કાર અપાશે

રાજકોટ મહાનગરપાલિકા અને ચિત્રનગરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત દિવાળી કાર્નિવલ દરમિયાન રેસકોર્ષ ફરતે યોજાયેલી ભવ્ય રંગોળી સ્પર્ધાના વિજેતાઓ અને રોકડ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. શહેરમાં કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા યોજાયેલી આ સ્પર્ધામાં વિવિધ વિસ્તારોમાંથી 268થી વધુ કલાકારો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, યુવાનો અને કલા રસિકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કલાત્મક પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. આજે મેયર ડૉ.નેહલ શુક્લ સહિતનાં પદાધિકારીઓ દ્વારા વિજેતાઓના નામ અને ઇનામોની વિગતવાર જાહેરાત કરવામાં આવી છે.

તંત્ર દ્વારા જાહેર થયેલી વિગતો મુજબ રંગોળી સ્પર્ધાના વિજેતાઓને અલગ-અલગ કેટેગરી અનુસાર રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. ગ્રુપ રંગોળી વિભાગમાં પ્રથમ 3 વિજેતા ટીમને પ્રત્યેકને 5,000નો રોકડ પુરસ્કાર અપાશે, જેમાં ધૃતિ હરસોડા અને ટીમ, માહી અકબરી અને ટીમ તેમજ શક્તિરાજ જાડેજા અને ટીમનો સમાવેશ થાય છે. જ્યારે ઇન્ડિવિડ્યુઅલ રંગોળી વિભાગના પાંચેય વિજેતાઓને પ્રત્યેકને 5,000નો રોકડ પુરસ્કાર અપાશે, જેમાં અમુલ કંજારિયા, રોનક માલી, મૈત્રી વેકરીયા, જીજ્ઞેશ ધોળકિયા અને દર્પણ ધોળકિયા વિજેતા બન્યા છે. આ ઉપરાંત ડેકોરેટિવ રંગોળી વિભાગના પાંચેય વિજેતાઓને પ્રત્યેકને 2,500નો રોકડ પુરસ્કાર મળશે, જેમાં ઈશિતા રાચ્છ, સ્વાતી જીવરાની, ક્રિશ બડેલિયા, શ્યામ પટેલ અને કપિલ સોમૈયાનો સમાવેશ થાય છે.

જુદા-જુદા વિષયો પર આકર્ષક રંગોળી તૈયાર કરી હતી
સ્પર્ધામાં ભાગ લેનાર કલાકારોએ ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા, રાષ્ટ્રીય એકતા, પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અભિયાન, મહિલા સશક્તિકરણ, શિક્ષણ, સામાજિક જાગૃતિ અને પ્રકૃતિપ્રેમ સહિતના વિવિધ વિષયો પર આકર્ષક રંગોળીઓ તૈયાર કરી હતી અને પરંપરાગત રંગોળી શૈલીની સાથે આધુનિક કલાત્મક અભિગમનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. રંગોનું આકર્ષક સંયોજન, બારીક નકશીકામ, નવીન ડિઝાઇન અને વિષયની અસરકારક રજૂઆતથી વાતાવરણ કલામય બન્યું હતું અને દરેક કૃતિમાં કલાકારોની મહેનત, ધીરજ, એકાગ્રતા તથા સર્જનાત્મકતાની ઝલક જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *