અમૂલ બાદ રાજકોટ ખાનગી ડેરીઓએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધના ભાવમાં 2થી 4 રૂપિયા સુધીનો વધારો કરાયો છે. ડેરી મર્ચેન્ટ એસોસિયેશન દ્વારા નિર્ણય લેવાયો છે. રાજકોટમાં 650 ડેરીમાં છૂટક 3 લાખ લીટર દૂધનું વેચાણ થાય છે. ચાર ફેટથી વધુના દૂધમાં 4 રૂપિયાનો વધારો કરાયો છે. 4 ફેટ સુધીના દૂધમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. 4 ફેટ સુધીનું દૂધ જે 30થી 35 રૂપિયામાં મળતું હતું તે હવે 32થી 37 રૂપિયા સુધી મળશે. 4થી 6 ફેટ સુધીના દૂધનો ભાવ વધીને 62થી 70 રૂપિયા સુધી થયો છે.
ડેરી મર્ચન્ટ એસોસિએશનનાં પ્રમુખ વી. પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે અમૂલ ડેરીએ કરેલા ભાવ વધારાને ધ્યાનમાં રાખીને રાજકોટની ખાનગી ડેરીઓએ પણ દૂધના ભાવમાં વધારો કરવો પડ્યો છે. હાલમાં 4 ફેટની આસપાસના દૂધના ભાવમાં પ્રતિ લિટરે રૂ. 2નો વધારો, 4 ફેટથી ઉપરના દૂધમાં રૂ. 4 નો વધારો અને દહીંમાં રૂ. 10નો વધારો કરવામાં આવ્યો છે. હાલમાં ગામડાની પરિસ્થિતિ ખરાબ હોવાથી દૂધની આવકમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને આ ભાવ વધારો કરવો પડ્યો હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે.
રાજકોટમાં આશરે 650 જેટલી ડેરીઓ
વધુમાં તેમણે જણાવ્યું કે રાજકોટમાં દૂધ વેચનાર એસોસિએશન છેલ્લા 28 વર્ષથી કાર્યરત છે અને કાયમી ધોરણે માલધારીઓ તેમજ ગ્રાહક વર્ગનું હિત ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે છે. આજની તારીખે ખાનગી ડેરીઓ ગામડે સહકારી ડેરી કરતાં પ્રતિ કિલો ફેટ 75 પૈસા ભાવ ઊંચો આપે છે.તેમજ 21 તારીખથી 10 પૈસાનો વધારો કરીને 85 પૈસા ભાવ ઊંચો આપવામાં આવશે, જેથી માલધારીઓને રાહત મળે. જ્યારે વેચાણ ભાવમાં સહકારી ડેરી કરતાં કાયમી ધોરણે રૂ. 2 નીચો ભાવ રાખવામાં આવે છે, જેથી ગ્રાહક મિત્રોને સરળતા રહે અને માલધારી સમાજને પણ રાહત થાય. રાજકોટમાં આશરે 650 જેટલી ડેરીઓ આવેલી છે. તેમજ અંદાજે 3 લાખ લિટર દૂધનું વેચાણ થાય છે.
આગામી દિવસોમાં હજુ પણ ભાવ વધારો થઈ શકે
આગામી સમયના ભાવ અંગે તેમણે જણાવ્યું હતું કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે શિયાળો જાણે આવ્યો નથી તે રીતે દૂધની અછત જોવા મળી રહી છે. જો દૂધ ઘટશે તો આવનારા દિવસોમાં કદાચ ફરીથી ભાવ વધારો થાય તેવી પૂરતી શક્યતા છે.