ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમીના જોર વચ્ચે રાજ્યના તાપમાનમાં મામૂલી ઘટાડો નોંધાયો છે.આજે સતત બીજા દિવસે 41.4 ડિગ્રી સાથે ભાવનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે અમદાવાદનું 40.6 ડિગ્રી નોંધાયું હતું. તે સિવાય તમામ શહેરોમાં તાપમાન ઘટતા ગરમીનો પારો 40 ડિગ્રીને નીચે પહોંચ્યો હતો. આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
હાલ દેશના ઘણા રાજ્યોમાં પ્રી-મોન્સૂન સક્રિય છે. રાજસ્થાન સહિત 9 રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. ચોમાસુ છત્તીસગઢ બોર્ડર પર પહોંચ્યું છે. ગુજરાતમાં પણ પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય જોવા મળી રહી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આવનારા સાત દિવસ ગુજરાતમાં જુદા-જુદા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદી પડી શકે છે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં 14, 15 અને 16 જૂન સુધી હવામાન સૂકું રહેશે. તે પછી 17, 18, 19 અને 20 જૂન અલગ-અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવનારા સાત દિવસો માટે મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. પવનની દિશા આજે દક્ષિણ-પશ્ચિમ તરફની રહેશે.
ગુજરાતની આસપાસ બે મુખ્ય સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આવનારા દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત પ્રદેશમાં ચોમાસાની સામાન્ય શરૂઆતની તારીખ 15 જૂન છે. હાલમાં ચોમાસાનો પ્રવાહ થોડો નબળો છે, પરંતુ 15 જૂનની આસપાસ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે તેવી સંભાવના છે. આગળની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.