રાજ્યના શૈક્ષણિક હબ અને પાટનગર ગાંધીનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સેક્ટર-25માં આવેલી જાણીતી રાજ સ્કૂલના પ્રિન્સિપાલના દીકરાએ શાળાની જ હોસ્ટેલમાં રહેતા ધોરણ-10ના એક સગીર વિદ્યાર્થીને પોતાની હવસનો શિકાર બનાવ્યો હોવાનો સનસનાટીભર્યો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ મથકે પ્રિન્સિપાલના પુત્ર વિરુદ્ધ પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રિન્સિપાલના દીકરાએ સગીર વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું મળતી માહિતી મુજબ, પીડિત ગરીબ વિદ્યાર્થી રાજ સ્કૂલમાં ધોરણ-10માં એડમિશન મેળવીને હોસ્ટેલમાં રહી બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો હતો. આ દરમિયાન શાળાના સંચાલક અને પ્રિન્સિપાલ અશ્વિન પટેલના દીકરા રાજ પટેલે તક જોઈને સગીર વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવ્યો હતો. શરૂઆતમાં મોટી વાતો કરીને તેણે વિદ્યાર્થીના શરીર પર અશોભનીય સ્પર્શ કર્યો હતો. વિદ્યાર્થીએ શરૂઆતમાં આ હરકતને વ્હાલ સમજવાની ભૂલ કરી હતી, જેનો ફાયદો ઉઠાવીને રાજ પટેલે સગીરને બળજબરીપૂર્વક પોતાના રૂમમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.