અમદવાદના અમરાઈવાડી વોર્ડના પૂર્વ મહિલા કોરર્પોરેટર દ્વારા વધુ એક વખત પોતાને અને પરિવારને મારી નાખવાની ધમકી મળતી હોવાની ભાજપના શહેર પ્રમુખ, મેયર સહિતના પદાધિકારીઓને રજૂઆત કરી છે. શહેરના અમરાઇવાડી વિસ્તારના પૂર્વ મહિલા કોર્પોરેટર પ્રતિભા દુબે દ્વારા મુખ્યમંત્રીથી લઈને શહેર પ્રમુખ તેમજ ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓને કરેલી અરજીઓ અને લેખિત રજૂઆત કરી છે કે, તેઓ પોતાના પરિવાર સાથે શંકરલાલ અંબાલાલની ચાલીમાં રહે છે. જ્યાં દોઢ વર્ષ પહેલા દબાણો હટાવવાની કામગીરી બાદ તેમના પાડોશીઓ સાથે મન દુ:ખ થયું હતું. જે બાદ તેમને પરિવારને વારંવાર જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવે છે.
પૂર્વ મહિલા કોર્પોરેટર પ્રતિભા દુબે આક્ષેપ કર્યો છે કે, ભૂતપૂર્વ શહેર કારોબારી સભ્યો અને આમંત્રિત સભ્ય સહિતના ધર્મેન્દ્ર ચૌહાણ, દેવેન્દ્ર ચૌહાણ, જીતેન્દ્ર ચૌહાણ, માનસીંગ ચૌહાણ, મહાવીર કુશવાહ, પ્રેમ મોર્ય. મોહિત પંડીત સહિતના લોકો દ્વારા તેમને ધમકીઓ આપવામાં આવી છે. જેમાં તેમના પરિવારને કારની ટક્કર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી રહી છે. અગાઉ પણ પ્રતિભા દુબે અમરાઈવાડી વોર્ડના કોર્પોરેટર હતા ત્યારે આ શખ્સો દ્વારા અમરાઈવાડી પોલીસ સ્ટેશન અને ઝોન પાંચ ડીસીપીને પોતાની જાનને જોખમ હોવાથી સુરક્ષા આપવા બાબતે પણ પત્ર લખી અને જાણ કરી હતી.
ધારાસભ્યના નજીકના લોકો હોવાથી કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ મહિલા પૂર્વ કોર્પોરેટર પ્રતિભા દુબે આ સમગ્ર મામલે હવે શહેર પ્રમુખથી લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શાસક પક્ષના નેતા સહિતના પદાધિકારીઓને રજૂઆત કરીને આ બાબતે જાણ કરી છે. મહિલા ચાલુ કોર્પોરેટર હતા ત્યારે પણ તેમને ધાક- ધમકી આપવામાં આવતી હતી. જેને લઈને મુખ્યમંત્રીથી લઈને શહેર પ્રમુખ, સ્થાનિક પોલીસ અને ડીસીપી સહિતના અધિકારીઓને પોતાની જાનને જોખમ હોવા અંગે રજૂઆત કરી હતી તેમ છતાં અમરાઈવાડીના ધારાસભ્ય ડો.હસમુખ પટેલના નજીકના લોકો હોવાના કારણે તેમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને બચાવ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.