ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળે પીજીવીસીએલના લાઇન સ્ટાફ અને ટેકનિકલ કર્મચારીઓની સલામતી, પ્રમોશન અને ભરતી સંબંધિત વિવિધ પ્રશ્નોને લઈને કોર્પોરેટ ઓફિસ ખાતે રજૂઆત કરી હતી. મંડળે વર્ષ 2023-25ના સેફ્ટી શૂઝની ખરીદી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા, ગુણવત્તાયુક્ત સેફ્ટી બેલ્ટ ઉપલબ્ધ કરાવવા અને અકસ્માત નિવારણ માટે જરૂરી તકેદારીના પગલાં લેવા માંગ કરી હતી. જોખમી કામગીરી દરમિયાન ઓછામાં ઓછા બે કર્મચારીઓને સાથે મોકલવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.
આ ઉપરાંત લાંબા સમયથી અટકેલા જુનિયર આસિસ્ટન્ટના પ્રમોશન, ટેકનિકલ સ્ટાફની નવી ભરતી અને ચોમાસા પૂર્વે મેઇન્ટેનન્સ કામગીરીને પ્રાથમિકતા આપવા માટે સોલાર તથા સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનમાંથી સમયબદ્ધ રાહત આપવા માંગ કરવામાં આવી હતી.મહેન્દ્રભાઈ ચાવડાના નેતૃત્વ હેઠળ થયેલી રજૂઆત દરમિયાન કોર્પોરેટ ઓફિસના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખનું સરપ્રાઇઝ ચેકિંગ, 5 કર્મચારીઓ ગેરહાજર ઝડપાયા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ સંજય પીપળીયાએ વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન પાંચ કર્મચારીઓ ગેરહાજર મળી આવતા તેમને લેખિત ખુલાસો આપવા તાકીદ કરવામાં આવી હતી. માર્ગ-મકાન, ખેતીવાડી, આરોગ્ય, પશુપાલન, શિક્ષણ અને સમાજ કલ્યાણ સહિતના વિભાગોની કામગીરીની સમીક્ષા કરીને સમયસર હાજરી અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.
પ્રમુખ સંજય પીપળીયાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિકાસ અને કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલ માટે તમામ કર્મચારીઓએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવી જરૂરી છે. આ પ્રસંગે ઉપપ્રમુખ સામત બાંભવા અને અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા.