રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 21થી 27 ફેબ્રુઆરી દરમિયાન જંગલેશ્વરમાં 1500 જેટલા ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ફેરવી ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જોકે આ દરમિયાન મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ પોલીસ અધિકારીઓ – કર્મચારીઓ સહિતના 13 હજાર લોકો ચા, કોફી, બિસ્કિટ, કાજુ કતરી, ખજૂર રોલ, ખમણ, સમોસા, વેફર્સ, ગાંઠિયા, જલેબી પૌઆ, બ્રેક ફાસ્ટ, સ્પેશ્યલ લંચ ડીસ અને મસાલા છાશની અધિકારીઓએ મીજબાની માણી હતી. જેનો રૂ.27 લાખનો ખર્ચ થયો છે. જે ખર્ચ મંજૂર થશે કે કેમ તે આવતીકાલે મહાનગરપાલિકામાં મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નક્કી થશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 21 થી 27 ફેબ્રુઆરી સુધી જંગલેશ્વરમાં ચાલેલા મેગા ડિમોલિશનમાં મેન પાવર અને મશીન પાવરનો ભરપૂર ઉપયોગ કરાયો હતો, ત્યારે બીજી તરફ મહાનગરપાલિકા, પોલીસ સ્ટાફ સહિતના ફરજ પરના અધિકારીઓ કર્મચારીઓ માટે ચા કોફીથી માંડીને સ્પેશ્યલ લંચ ડીસ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.