પતિ સાથે મળી સાસુ, બહેન અને નાનીને પતાવી દીધા

સુરત જિલ્લાના એક ગામમાં આજે 30 સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે પોલીસની 5 જેટલી ગાડીઓ શેરીઓમાંથી પસારથઈને એક ઘર પાસે રોકાઈ. ત્રિકમ-પાવડા સાથેના પોલીસકર્મીઓ ગાડીઓમાંથી ઉતર્યા અને એ ઘરમાં ઘૂસી ગયા. આ બધુ જોઈને આસપાસના લોકોને થયું કે આ ઘરમાં કઈક અજુગતું થયું છે. પોલીસકર્મીઓ ઘરમાં જઈને ખોદકામ કરવા લાગ્યા અને ત્યાંથી પોટલું ભરીને માનવકંકાલ અવશેષો બહાર કાઢ્યા. અમે તમને કોસંબા તાલુકાના વડફળિયા ગામમાં થયેલી ત્રિપલ મર્ડરની ઘટનાની વાત કરી રહ્યાં છીએ.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સુરતની કોસંબા પોલીસે 2022માં કોરોનાકાળમાં કોસંબામાં થયેલી એક 70 વર્ષીય વૃદ્ધાની હત્યા ઉપરાંત અન્ય બે મહિલાઓની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ત્રણેય મૃતક મહિલાઓ એકબીજાના નજીકના સગા સંબંધી થાય છે અને ત્રણેયની હત્યા વૃદ્ધાની દીકરીની દીકરી અને તેના પતિએ મળીને કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. હત્યારા જમાઈ માધવદાસે પોતાની પત્ની ઉર્મિલા સાથે મળીને વૃદ્ધાની હત્યા કરી ઘરના વાડામાં મૃતદેહ દાટી દીધો હતો. આજે કોસંબા પોલીસે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સાથે મળીને આરોપીઓને સાથે રાખી ખાડો ખોદી એક પોટલું ભરીને વૃદ્ધાના અવશેષો કાઢ્યા હતા. સાથે જ આરોપી દંપત્તિએ અન્ય બે મહિલાઓની હત્યા કરી હોવાની પણ કબુલાત કરતાં આ ત્રિપલ મર્ડર કેસ ઉકેલાયો છે.

2022માં કોસંબાના વડફળિયામાં ઘરમાં એકલા રહેતા 70 વર્ષીય શાંતાબેન ગંભીરભાઈ વસાવાની તેના જમાઈ માધવદાસ અને તેની પત્ની ઉર્મિલાએ ઓશિકાથી મોઢું દબાવીને હત્યા કરીને મૃતદેહને ઘરની પાછળ આવેલા વાડામાં ખાડો ખોદીને દાટી દીધો હતો. હત્યા કર્યા બાદ બંને પતિ-પત્ની અમદાવાદના ધોળકા તાલુકાના વાલથેરા ગામમાં રહેતા હતા. જો કે બંને વચ્ચે કોઈ બાબતને લઈને અણબનાવ થતાં છેલ્લાં 9 મહિનાથી અલગ રહેતા હતા. આ દરમિયાન શાંતાબેનની હત્યાના ગુનામાં માધવદાસે તેની પત્ની ઉર્મિલા અને સાળા અફઝલ ઉર્ફે ફોટો દીવાનને ફસાવવા માટે અમદાવાદ પોલીસ સમક્ષ અરજી કરી હતી કે બંને બહેન-ભાઈએ મળીને વૃદ્ધાની હત્યા કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *