મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના નીરના વધામણાં કર્યાં

રાજપીપળા નજીક આવેલો સરદાર સરોવર નર્મદા ડેમ 138.68 મીટરની મહત્તમ જળસપાટીએ પહોંચીને છલોછલ ભરાઈ ગયો છે. આ ઐતિહાસિક ક્ષણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડેમ ખાતે ઉપસ્થિત રહીને નર્મદા મૈયાના નીરના વધામણા કર્યા હતા. ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની આવકને કારણે ડેમમાં વિપુલ જળરાશિ એકત્ર થઈ છે. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે તંત્ર દ્વારા ડેમ વિસ્તારને ભવ્ય રીતે શણગારાયો હતો.સાંજે ડેમની રંગબેરંગી રોશની આકર્ષણ જમાવશે

શાસ્ત્રોક્ત વિધિથી નીરના વધામણા
નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જવાના આ શુભ અવસરે ખાસ પૂજન વિધિનું આયોજન કરાયું હતું. મુખ્યમંત્રી સાથે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને નર્મદા નિગમના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે નર્મદા મૈયાને શ્રીફળ, પુષ્પ અને ચુંદડી અર્પણ કરીને પૂજા અર્ચના કરવામાં આવી હતી. રાજ્યની જીવાદોરી સમાન નર્મદાના જળ વધાવવા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના 25 વર્ષ આગામી 7 ઓક્ટોબરે પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, અલનિનોની અસર વચ્ચે પણ સરદાર સરોવર નર્મદા ડેમ 138.68 મીટરની મહત્તમ સપાટીએ પૂરેપૂરો ભરાઈ ગયો છે. તેમણે ઉમેર્યું કે આખી બેસિનમાં મધ્યપ્રદેશ અને ગુજરાતને દર વર્ષે મળતા 9 મિલિયન એકર ફૂટ પાણીની સરખામણીએ ચાલુ વર્ષે 8 મિલિયન એકર ફૂટ પાણી મળ્યું છે, જેથી હજુ પણ આશરે દોઢથી બે મિલિયન એકર ફૂટ પાણીની ઘટ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારી તંત્ર દ્વારા પાણીના એક-એક ટીપાંનો કરકસરપૂર્વક ઉપયોગ કરવામાં આવશે, સાથે જ મુખ્યમંત્રીએ ખેડૂતોને પણ ઓછું પાણી વપરાય તેવા પાક લેવા માટે ખાસ અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *