બીભત્સ હરકતના વીડિયો બાદ હોસ્ટેલ પર ગ્રીન નેટ લાગી, આજે યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ કાળા કપડા પહેરી બ્લેક ડે ઉજવશે

શહેરની જાણીતી નિરમા યુનિવર્સિટી છેલ્લા એક અઠવાડિયાથી સતત વિવાદમાં આવી છે. નિરમા યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં એક શ્રમિકના બીભત્સ વીડિયો વાયરલ થયા બાદ કોલેજ પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી કરવાને બદલે ગર્લ્સ હોસ્ટેલ પર લીલા કલરની નેટ લગાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સામે સીધો વિરોધ ન કરી શકતા હોવાથી સોશિયલ મીડિયા પર કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આજે કોલેજમાં કાળા કપડા પહેરીને ઘટનાની નિંદા કરવા બ્લેક ડે ઉજવવામાં આવશે.

નિરમા યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના H-4 બ્લોકમાં રહેતી વિદ્યાર્થિનીઓ સામે H 5 બ્લોકમાં કામ કરી રહેલા શ્રમિકે કપડાં કાઢી બીભત્સ હરકતો કરી હતી, જે અંગેનો વીડિયો લઈને વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટીમાં ફરિયાદ કરી હતી. જેમાં કોઈ ગાર્ડ દ્વારા વિદ્યાર્થિનીઓને તેમના કપડા વિશે કહેવામાં આવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી અને ગર્લ્સ હોસ્ટેલ પર લીલા કલરની નેટ લગાવવામાં આવી છે.

યુનિવર્સિટીમાં કોઈ વિદ્યાર્થી ફરિયાદ કરે તો તેના જ સામે કડક પગલા લેવાય તે ડરથી ખુલીને કોઈ વિદ્યાર્થીઓ સામે આવી રહ્યા નથી, પરંતુ હવે નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા કેમ્પેઇન તરફ વળ્યા છે. નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ઈન્સ્ટાગ્રામ પર પેજ બનાવીને લોકોને જોડાવવા અપીલ કરી છે. એટલું જ નહીં ગઇકાલથી સોશિયલ મીડિયામાં ગુરુવારે બ્લેક ડે ઉજવવા પણ જણાવવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ કાળા કપડા પહેરીને યુનિટી બતાવે તેવી પણ અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *