સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનને દીપચંદ ગારડી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સમગ્ર દેશ અને દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોનાના કપરા કાળમાં માનવીય અભિગમ દાખવીને સૌ સ્ટાફ અને છાત્રોએ હતાશામાં ધકાયેલા તમામ વયના લોકોને રૂબરૂ તેમજ ટેલિફોનીક કાઉન્સેલિંગ કરીને અંદાજે 1 લાખ લોકોને માનસિક સધિયારો આપવાનું કાર્ય આ ભવને કર્યુ હતુ. સૌ પ્રથમવાર રાજ્યમાં રાજ્યકક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના મનોવિજ્ઞાન મેળાનું નમૂનેદાર આયોજન, અંધશ્રધ્ધા નિવારણ અને જાગૃતિ માટે મનોનાટકનો સફળ નવતર પ્રયોગ, શાળા કોલેજના છાત્રોને પરીક્ષા વેળાએ ડિપ્રેશનમાં ન આવે તે માટેના અસરકારક પ્રયાસો, મેન્ટલ હેલ્થ સ્ક્રીનીંગ કેમ્પ સહિતની કામગીરી તેમજ મનોવિજ્ઞાન વિષયને વર્ગખંડ પૂરતો સીમિત ન રાખતાં જન જન સુધી, ઘર ઘર સુધી પહોંચાડવાના પ્રયત્નોને કારણે મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનને સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગારડી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભવન અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસને જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં એક માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવનમાં સૌ એ એક ટીમ સ્પીરિટથી જે કામગીરી કરી છે તેની નોંધ લઈને ભવનને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ, પુરસ્કાર અને સન્માન મળેલ છે. તો વળી, વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા એ પણ કામગીરીની નોંધ લીધેલ છે. જેની નોંધ લેવી જ રહી અને આપણા રાજકોટવાસીઓ માટે ગૌરવનો વિષય છે.