ગુજરાત સહિત દેશના 198 માછીમારો વર્ષોથી પાકિસ્તાનની જેલમાં બંધ છે, ત્યારે માછીમાર સંગઠનો દ્વારા 15 ઓગસ્ટે તેમને વતન પરત લાવવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વિદેશ મંત્રાલયને રજૂઆત કરી છે, જ્યારે પરિવારના સભ્યોએ રડતાં રડતાં પીએમ મોદી પાસે જેલમાંથી છોડાવવાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, 198 માંથી 178 માછીમારોની સજા પૂર્ણ થઈ ચૂકી હોવા છતાં 5-5 વર્ષથી તેમને જેલમાંથી મુક્ત કરવામાં ન આવતા પરિવારોમાં આક્રંદ જોવા મળ્યો હતો અને અને આર્થિક મુશ્કેલીભર્યું જીવન વિતાવી રહ્યા છે.
મારા દીકરા અને ભાઈઓને છોડાવવામાં મદદ કરે: મંજુબેન બારિયા ગીર સોમનાથ જિલ્લાના મંજુબેન બારિયાએ જણાવ્યું હતું કે, મારો દીકરો અને મારા બે ભાઈ ઉપરાંત સમાજના 10 લોકો અત્યારે જેલમાં છે. માછીમારી કરવા ગયા હતા કોઈ દાણચોરી કરવા નહીં. અમે સરકારને કહેવા માંગીએ છીએ મારા દીકરાની સજા પૂર્ણ થઈ હોય તો તેને છોડાવી વતન પરત લાવવામાં આવે. 5 વર્ષ થયા છતાં છોડવામાં આવ્યા નથી.