રાજકોટ રેલવે ડિવિઝનના એક સામાન્ય પોઈન્ટ્સમેનની સતર્કતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાને કારણે વંદે ભારત જેવી મહત્વની ટ્રેનનાં રૂટ ઉપર મોટો અકસ્માત ટળી ગયો હતો. જેમાં જાલિયા દેવાણી ખાતે ફરજ બજાવતા પોઈન્ટ્સમેન જીતુ દાસે સમયસર પાટામાં પડેલી તિરાડ શોધી કાઢીને તેના વિશે જાણ કરી હતી, જેના કારણે તાત્કાલિક પગલાં ભરીને સંભવિત ખૂબ મોટી દુર્ઘટના અટકાવી શકાઈ હતી. તેઓના આ ઉત્કૃષ્ટ કાર્ય બદલ રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) ગિરિરાજ કુમાર મીના દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા.
પ્રાપ્ત વિગત મુજબ આ ઘટના 17 જૂન, 2025ના રોજ બની હતી, જ્યારે ટ્રેન નંબર 22926 ઓખા-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ જાલિયા દેવાણી સ્ટેશન પાસેથી પસાર થઈ હતી. ટ્રેન પસાર થયા બાદ તરત પોઈન્ટ્સમેન જીતુ દાસે નિયમિત તપાસ દરમિયાન ટ્રેક નંબર 39 T પર ગ્લુડ જોઈન્ટ પાસે પાટામાં તિરાડ જોઈ હતી. આ પ્રકારની તિરાડ મોટા અકસ્માતનું કારણ બની શકે છે. દાસે આ જોતા જ કોઈપણ વિલંબ કર્યા વગર તુરંત જ ઓન-ડ્યુટી સ્ટેશન માસ્ટરને જાણ કરી, જેથી તાત્કાલિક ધોરણે જરૂરી સમારકામ હાથ ધરી શકાયું હતું.
ડીઆરએમ દ્વારા સન્માન અને પ્રશંસા જીતુ દાસની આ સમયસૂચકતા અને જવાબદારીપૂર્વકના કાર્યની ગંભીરતાને ધ્યાનમાં લઈ રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા તેઓનું સન્માન કરવાનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત ડીઆરએમ ઓફિસ, રાજકોટના કોન્ફરન્સ રૂમમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં, ડીઆરએમ ગિરિરાજ કુમાર મીનાના હસ્તે જીતુ દાસને પ્રશંસા પત્ર અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે ડીઆરએમ દ્વારા જણાવ્યું કે, રેલવે સેફ્ટી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જીતુ દાસ જેવા કર્મચારીઓએ સાબિત કર્યું છે કે તેમની જાગૃતિ અને નિષ્ઠા જ રેલવેની સલામતીની કરોડરજ્જુ છે. તેમનું કાર્ય અન્ય કર્મચારીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.