વિદેશી દારૂ પીવાની ટેવ ધરાવતા લોકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કારણ કે, વધુ એક વખત બ્રાન્ડેડ કંપનીની બોટલમાં નકલી દારૂ ભરી વેચવાના કારસ્તાનનો પર્દાફાશ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાના ધોરાજીના તોરણીયા ગામની સીમમાં એલસીબીએ દરોડો પાડી ખાલી બોટલો, બ્રન્ડેડ કંપનીના સ્ટીકરો અને દારૂ જેવુ પ્રવાહી મળી કુલ રૂ.3.40 લાખના મુદ્દામાલ સાથે બે શખસોને ઝડપી પાડી ફરાર આરોપી એવા જૂનાગઢના શખસનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ઘરી છે.
ડુપ્લિકેટ દારૂ બનાતા હોવાની બાતમી મળતા દરોડો પાડ્યો રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચનાથી એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરા, પીએસઆઇ એચ.સી.ગોહિલ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો. દરમિયાન ધોરાજી તાલુકાના તોરણીયા ગામની સીમમાં કાંન્તી રવજીભાઇ બાબરીયાની ખેતરની ઓરડીમાં ડુપ્લિકેટ દારૂ બનાવતા હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે દરોડો પાડયો હતો. જેમાં પોલીસે ઘટના સ્થળેથી કાંન્તી રવજીભાઇ બાબરીયા અને ચેતન રાજુભાઈ દેલવાડીયાને ઝડપી પાડી ઓરડીમાંથી દારૂના બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર નંગ 57 અને વિદેશી દારૂ ભરેલી બોટલ નંગ 5, ખાલી બોટલો નંગ 74 અને વિદેશી દારૂ જેવુ પ્રવાહી ભરેલા બેરલ નંગ 4 મળી કુલ કિંમત 3,24,800 મળી કુલ રૂ.3,40,335નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.