ગુજરાત સરકારે આજે રવિવારની રજા હોવા છતા 144 ક્લાસ-1 અધિકારીઓની બદલી કરી. ખનીજ માફિયાઓ પર સકંજો કસનારા એચ.ટી.મકવાણાની મહીસાગરના ડેપ્યુટી કલેકટર તરીકે બદલી કરવામાં આવી.
સુરેન્દ્રનગરના ચોટીલાના પ્રાંત અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ એચ.ટી.મકવાણાએ તાલુકામાં ચાલી રહેલી ગેરકાયદે ખાણો પર તવાઈ બોલાવી ચર્ચામાં આવ્યા હતા. જેઓની મહીસાગરના ડેપ્યુટી કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટમાં દશનામ ગોસ્વામી સમાજ સેવા ટ્રસ્ટ, ચોટીલા દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગરના કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, ચોટીલા મામલતદાર અને ચોટીલા નગરપાલિકાને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. આ મામલે 6 મહિના પહેલા જ્યારે હાઇકોર્ટમાં સુનાવણી થઈ ત્યારે હાઇકોર્ટે મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર એચટી મકવાણા સામે લાલ આંખ કરી હતી.
કોર્ટે મામલતદારને જણાવ્યું હતું કે બાકીની 13 વર્ષ નોકરી કરવાની છે કે કેમ? કોઈપણ પ્રોસિડિંગ વગર તમે જે હુકમ કર્યો છે એ શંકાસ્પદ છે. તમારી સામે શિસ્ત સંબંધી પગલાં લેવા જોઈએ. હવે તમારે જવાબ આપવાનો છે કે પ્રોસિડિંગ કેમ ના થઈ? તમારી સામે ખાતાકીય પગલાં લેવાઈ શકે છે. નોટિસ વગર તમે બાંધકામ તોડી નાખ્યું છે અને પછી એને છુપાવવા હાઇકોર્ટમાં ત્રાગા કર્યા છે. તમને ભવિષ્યમાં સસ્પેન્ડ કરાઈ શકે છે. તમે કોર્ટ સમક્ષ પણ ખોટું બોલ્યા છો. ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને ભોગવવું પડશે. તમને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એનો ખુલાસો આપો, નહીં તો તમારી સામે તપાસના ઓર્ડર કરવામાં આવશે.