ગોંડલના જેતપુર રોડ સાંઢીયા પુલ પાસે આવેલી વૃંદાવન સોસાયટી-5માં છેલ્લા ચાર દિવસથી સર્જાયેલી વીજ સમસ્યાને પગલે રહીશોની ધીરજ ખુટી હોય તેમ ઉનાળાની આકરી ગરમી વચ્ચે સતત રાત્રિના સમયે વીજ પુરવઠો ખોરવાતા રોષે ભરાયેલા 100થી વધુ મહિલાઓ અને પુરુષોના ટોળાએ PGVCL કચેરીએ ધસી જઈ હલ્લાબોલ કર્યો હતો. તંત્રના ઉદાસીન વલણ સામે સ્થાનિકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી તાકીદે પ્રશ્ન હલ કરવા માંગ કરી હતી.
બીજી બાજુ આકરા ઉનાળા વચ્ચે વીજ વપરાશ અનેકગણો વધ્યો હોય ઓવરલોડને કારણે વિજ ફોલ્ટ સર્જાતા હોવાનું વીજ તંત્ર દ્વારા જણાવાયું હતું. વૃંદાવન સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા ચાર દિવસથી રાત્રે 12 વાગ્યાની આસપાસ અચાનક વીજળી ગુલ થઈ જાય છે અને સતત 5 થી 6 કલાક સુધી પાવર આવતો નથી. 40 ડિગ્રીથી વધુ ગરમીમાં પંખા-એસી બંધ રહેતા નાના બાળકો અને બીમાર વૃદ્ધોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. રહીશોને આખી રાત જાગરણ કરવાની ફરજ પડી રહી છે.
ચાર દિવસથી રોજ રાતે વીજળી ગૂલ થઇ જવાની પરંપરા ચાલતી હોઇ, વૃંદાવન સોસાયટીના સ્થાનિકોના કકળાટ અંગે પીજીવીસીએલનાં જવાબદાર અધિકારી એસ.કે.કણસાગરાએ જણાવ્યું કે ઉનાળાના લીધે રાતે વીજ વપરાશ વધી જતો હોય છે આથી ઓવરલોડનાં કારણે વીજ કેબલ ગરમ થઈ ચોંટી ગયા હતા.બબ્બે વખત કેબલ બદલવાં પડ્યાં હતાં.રાત્રીનાં વિજ વપરાશ વધતો હોય ટીસી.જંપર કે કેબલ માં ફોલ્ટ સર્જાય છે અને તેને સોલ્વ કરતાં થોડો સમય તો લાગે !