ગીલોલમાંથી ખીલી બાળકની આંખમાં ઘૂસી, સફળ સર્જરી‎

વેકેશનના માહોલમાં બાળકો જ્યારે મસ્તીના મૂડમાં હોય છે ત્યારે, તેમને અમુક મસ્તીની સભાનતા હોતી નથી.આથી ત્યારે કશુંક ન થવાનું થઇ જાય ત્યારે તેની અસર આખી જિંદગી ભોગવવી પડે તેવું બની શકે. માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો જસદણ તાલુકાના વિરનગર ગામેથી સામે આવ્યો હતો. જ્યાં ગીલોલથી રમી રહેલા 10 વર્ષના માસૂમ બાળકની આંખમાં લોખંડની ખીલી ખૂંપી જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જો કે, આટકોટની હોસ્પિટલના તબીબોની કુશળતાને કારણે બાળકની આંખ બચાવી લેવામાં સફળતા મળી હતી.

વિરનગર ગામના અયાન વિપુલભાઈ સલુડીયા (ઉં.વ. 10) નામનો બાળક અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. વેકેશન હોવાથી બાળકોએ દેશી જુગાડથી ગીલોલ બનાવી હતી. રમતા-રમતા અચાનક લોખંડની ખીલી ઉછળીને અયાનની આંખમાં સીધી ખૂંપી ગઈ હતી. બાળક લોહીલુહાણ હાલતમાં ચીસો પાડવા લાગતા પરિવારજનો દોડી આવ્યા હતા.

ઘટનાની ગંભીરતા જોઈ પરિવાર તાત્કાલિક અયાનને આટકોટની પરવાડિયા હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યાં ડો. ઉમંગ ઠક્કર અને તેમની 4 સર્જનની વિશેષ ટીમે તાત્કાલિક ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકોની જહેમત બાદ બાળકની આંખમાંથી લોખંડની ખીલી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી.

અત્યારે વેકેશનનો સમય છે અને બાળકો ગ્રામ્ય વિસ્તારોમાં ગીલોલ, લખોટી કે અણીદાર વસ્તુઓથી રમતા હોય છે. આવા સમયે વાલીઓએ બાળકો પર સતત નજર રાખવી જોઈએ. સામાન્ય લાગતી રમત ક્યારેક આજીવન ખોડખાંપણ લાવી શકે છે. જેથી બાળકોને અણીદાર રમકડાં કે જોખમી વસ્તુઓથી દૂર રાખવા તબીબોની સલાહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *