દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ અને પર્યાવરણીય પડકારોને ધ્યાને રાખીને દેશવાસીઓને અત્યંત મહત્વની અપીલ કરી છે. વડાપ્રધાને નાગરિકોને પોતાના અંગત અને ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડીને જાહેર પરિવહન એટલે કે માસ ટ્રાન્સપોર્ટનો મહત્તમ ઉપયોગ કરવા જણાવ્યું છે. આ સાથે જ્યાં શક્ય હોય ત્યાં ‘વર્ક ફ્રોમ હોમ’ અપનાવી ઇંધણની બચત કરવા પણ ભાર મૂક્યો છે. જોકે, આ આહવાનની સૌથી પહેલી અને કડક અમલવારી સરકારી કચેરીઓથી કરવાની જરૂર છે, કારણ કે માત્ર રાજકોટ મહાનગરપાલિકાનો જ વાર્ષિક ઇંધણ ખર્ચ રૂ. 12 કરોડ પહોંચી ગયો છે. PMની અપીલને માન આપી ગાડીઓનો મોહ છોડી સાહેબો સિટિબસનો ઉપયોગ કરે તો પ્રજાને પણ પ્રેરણા મળે અને લાખો રૂપિયા પણ બચાવી શકાય.
સૌરાષ્ટ્રના આર્થિક અને વહીવટી કેન્દ્ર એવા રાજકોટમાં એ-ગ્રેડની મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી, બહુમાળી ભવન અને જિલ્લા પંચાયત જેવી મહત્વની સંસ્થાઓ આવેલી છે. આ તમામ કચેરીઓમાં પદાધિકારીઓથી માંડીને ઉચ્ચ અધિકારીઓ સુધી તમામને પ્રજાના ટેક્સના પૈસે મોંઘીદાટ ગાડીઓ અને ઇંધણની સુવિધા મળે છે. ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો, વર્ષ 2025-26 દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પાછળનો ખર્ચ રૂ. 12 કરોડ જેટલો થયો હતો. મનપા પાસે અમૂલ સર્કલ નજીક પોતાનો પેટ્રોલ પંપ હોવા છતાં આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. મનપા હસ્તક હાલ 24 VIP કાર સહિત 341 પોતાના વાહનો છે અને અનેક વાહનો કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા છે. આ વાહનો અને જનરેટર સેટ પાછળ વર્ષે કરોડો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે.