રાજકોટ મનપા દ્વારા ત્રણેય ઝોનની 866 જર્જરિત મિલકતોને નોટિસ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાને રાખીને પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના ત્રણેય ઝોનમાં બાંધકામ શાખા દ્વારા કરવામાં આવેલા સર્વે બાદ કુલ 866 જેટલી ખાનગી મિલકતોને જર્જરિત જાહેર કરાઈ છે. આ તમામ મિલકત ધારકોને નોટિસ ફટકારીને ચોમાસું શરૂ થાય તે પહેલા જોખમી ભાગો તોડી પાડવા અથવા જરૂરી રિપેરિંગ કરાવી લેવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે.

આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારે વરસાદ કે વાવાઝોડા દરમિયાન જર્જરિત મકાનો ધરાશાયી થવાથી થતી જાન-માલની હાનિ રોકવાનો છે. મહાનગરપાલિકાએ આ સર્વેમાં માત્ર ખાનગી મકાનો જ નહીં, પરંતુ સરકારી આવાસો અને હાઉસિંગ બોર્ડની મિલકતોની સ્થિતિનો પણ ચિતાર મેળવ્યો છે.

ત્રણેય ઝોનમાં સર્વે અને નોટિસની વિગતવાર કાર્યવાહી મહાપાલિકાના બાંધકામ વિભાગ દ્વારા શહેરીજનોની સુરક્ષા માટે હાથ ધરવામાં આવેલા સર્વે મુજબ, સમગ્ર શહેરમાં કુલ 886 મકાનો જર્જરિત અવસ્થામાં હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 866 ખાનગી મિલકતોના માલિકો કે કબજેદારોને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં આ નોટિસના આધારે 202 મકાનોમાં રિપેરિંગ કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. જોકે, હજુ પણ અનેક મિલકતો એવી છે જ્યાં કામગીરી બાકી છે. આ મિલકતો પૈકી 90 જેટલા કિસ્સાઓમાં મકાન માલિક અને ભાડૂઆત કે કબજેદાર વચ્ચે કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે અથવા આંતરિક તકરાર છે, જેને કારણે નિર્ણય લેવામાં વિલંબ થઈ રહ્યો છે. બાંધકામ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આવી વિવાદિત મિલકતોમાં રહેતા લોકોએ પોતાની સુરક્ષાની જવાબદારી સ્વીકારીને મરામત કરાવવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *