ડિસેમ્બર 2023માં રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં 3 વર્ષની માસુમ બાળકીને નમકીન આપવાની લાલચ આપી ઘરે બોલાવી દુષ્કર્મનો પ્રયાસ કરવાના કેસમાં કોર્ટે કડક ચુકાદો આપ્યો છે. અધિક સેશન્સ જજ ટી.એસ. બ્રહ્મભટ્ટે મૂળ ઉત્તર પ્રદેશના 45 વર્ષીય આરોપી રામચંદ્ર રામબિરોજ પાસ્વાનને 5 વર્ષની સખ્ત કેદની સજા, ₹10,000નો દંડ અને ભોગ બનનાર બાળકીના પિતાને ₹1 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.
શું છે સમગ્ર મામલો? 15 ડિસેમ્બર 2023ના રોજ કોઠારીયા સોલ્વન્ટના ગુલાબનગરમાં રમતી 3 વર્ષની બાળકીએ ઘરે આવી માતાને ગુપ્ત ભાગે તકલીફ હોવાનું જણાવતાં માતાએ તપાસ કરી હતી. બાળકીના પ્રાઇવેટ પાર્ટના ભાગે તેલ લગાડેલું હતું અને ચીરો પડેલો હતો. પૂછપરછમાં પાડોશમાં રહેતા ભાઈએ આવું કર્યાનું જણાવતાં માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મેડિકલ તપાસમાં પણ બાળકીના ગુપ્ત ભાગે તેલ અને ઈજા મળી આવી હતી.
કોર્ટમાં આરોપી પક્ષે બચાવ પક્ષે દલીલો કરી હતી કે, બાળકીને ઈજા માતાના નખ વાગવાથી થઈ છે અને બાળકીના ગાલ પર આરોપીના ‘એપીથેલીયલ–સેલ’ (Epithelial cell) મળ્યા નથી. સરકારી વકીલ એસ. કે. વોરાએ ધારદાર રજૂઆત કરતાં જણાવ્યું કે, માતા દ્વારા દરરોજ બાળકીની સફાઈ કરાતી હોય ત્યારે ક્યારેય નખ વાગ્યો નથી, તેથી આ બચાવ હાસ્યાસ્પદ છે. ગુપ્ત ભાગે તેલ મળવું એ જ સાબિત કરે છે કે દુષ્કર્મનો પ્રયાસ થયો હતો. તબીબી અભિપ્રાય મુજબ ‘એપીથેલીયલ–સેલ’ સ્નાન કરવાથી કે પરસેવો વળવાથી થોડા કલાકોમાં ગાયબ થઈ જાય છે. વળી, બાળકીએ કોર્ટમાં આરોપીને ઓળખી પણ બતાવ્યો હતો.
કોર્ટે દુષ્કર્મના પ્રયાસના ગુનામાં સરકાર પક્ષની રજૂઆતો અને પુરાવાઓને ધ્યાને રાખી અધિક સેશન્સ જજે 45 વર્ષીય આરોપી રામચંદ્ર રામબિરોજ પાસ્વાનને 5 વર્ષની સખ્ત કેદની સજા, ₹10,000નો દંડ અને ભોગ બનનાર બાળકીના પિતાને ₹1 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.