શાપર વેરાવળ પોલીસે મોબાઇલ ટાવર ચોરીનો ભેદ ઉકેલ્યો

શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા મોબાઇલ ટાવર પરથી અત્યંત સંવેદનશીલ NOKIA કંપનીના AZNA રીમોટ રેડિયો યુનિટની ચોરીના ગુનાનો પોલીસે ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસ દરમિયાન ચોરીના બે AZNA રીમોટ રેડિયો યુનિટ રૂ.1.20 લાખની કિંમતના રિકવર કરવામાં આવ્યા છે.પ્રાપ્ત પોલીસ વિગતો મુજબ, શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં તા.10 ઓગસ્ટ 2026ના રોજ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 305 તથા 331(4) મુજબ ગુનો નોંધાયો હતો. ઇન્ડસ કંપની દ્વારા ઉભા કરવામાં આવેલા મોબાઇલ ટાવર ઉપર નોકિયા કંપનીના બે AZNA રીમોટ રેડિયો યુનિટ લગાવવામાં આવ્યા હતા. અજાણ્યા શખ્સોએ મોબાઇલ ટાવર પર ચડીને ચાલુ પાવર દરમિયાન વાયરીંગ કાપી બંને ડિવાઇસ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બંને ડિવાઇસની કુલ કિંમત આશરે રૂ.1.20 લાખ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપીઓ સુધી પહોંચી પોલીસ

ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા સૂચના આપવામાં આવી હતી. ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળ પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. રાણા દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીઓ અંગે મહત્વની માહિતી મળતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણેયને ઝડપી પાડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *