ઉપલેટામાં રોગચાળાનો અજગરભરડો

ઉપલેટા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બદલાતા હવામાન વચ્ચે વાયરલ તેમજ પાણીજન્ય રોગોના કેસમાં વધારો નોંધાતા સરકારી કોટેજ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

હોસ્પિટલમાં હાલ રોજની 1000થી વધુ ઓપીડી નોંધાઈ રહી હોવાનો હોસ્પિટલ તંત્રનો દાવો છે. દર્દીઓની સંખ્યા વધતાં સવારથી જ કેસબારી, દવાબારી, લેબોરેટરી ટેસ્ટ તેમજ તબીબોના રૂમ બહાર દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.

ઉપલેટા પંથકમાં બેવડી ઋતુની અસર વચ્ચે તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલટી તેમજ ઠંડી-ટાઢ જેવા વાયરલ અને પાણીજન્ય રોગોના દર્દીઓમાં વધારો થયો છે. ખાસ કરીને દૂષિત પાણી અને બહારના ખાદ્ય પદાર્થોના સેવનથી પણ લોકો બીમારીનો ભોગ બનતા હોવાની સ્થિતિ સામે આવી છે.

એક મહિનામાં 30 હજારથી‎ વધુ દર્દીઓની સારવાર‎ હોસ્પિટલમાં દર્દીઓની વધતી સંખ્યા પરથી રોગચાળાની સ્થિતિનો અંદાજ આવી રહ્યો છે. ગત મહિને જ ઉપલેટાની સરકારી કોટેજ હોસ્પિટલમાં 30 હજારથી વધુ દર્દીઓએ સારવાર લીધી હતી. હાલ પણ વહેલી સવારથી જ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ નિદાન અને સારવાર માટે હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે. દર્દીઓની ભીડ વચ્ચે હોસ્પિટલ તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ રાખવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સરકારી કોટેજ હોસ્પિટલનાં અધિક્ષક ડો. ખ્યાતિ કેશવાલા તથા તબીબી અને અન્ય સ્ટાફ દ્વારા દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *