રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને હરિયાળું બનાવવાના બણગાં વચ્ચે એક ચોંકાવનારો આંકડાકીય વિરોધાભાસ સામે આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં તંત્ર દ્વારા કુલ રૂ. 22.69 કરોડનો માતબર ખર્ચ કરીને 17,58,746 જેટલા જંગી વૃક્ષોનું વાવેતર કરવાનો દાવો કરવામાં આવ્યો છે, તેમ છતાં રાજકોટ રાજ્યના સૌથી ગરમ શહેરોની યાદીમાં આવી રહ્યું છે. આ આંકડાઓ જોતા સ્પષ્ટ થાય છે કે, કાગળ પર વૃક્ષોનું ‘જંગલ’ ઉભું કરવામાં આવ્યું છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. ગત 11 માર્ચના રોજ 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ આખા દેશમાં સૌથી ગરમ શહેર નોંધાયું હતું, જે તંત્રના ગ્રીન કવર વધારવાના દાવાઓ સામે ગંભીર સવાલો ઉભા કરે છે.
રાજકોટ મહાનગરપાલિકાના સત્તાવાર ડેટા પર નજર કરીએ તો 2021થી 2026 સુધી 5 વર્ષમાં વૃક્ષારોપણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન થયેલા વર્ષવાર ખર્ચ અને વૃક્ષોની સંખ્યાની વિગત અત્યંત ચોંકાવનારી છે, જેમાં વર્ષ 2025-26માં રૂ. 8.71 કરોડના અધધ ખર્ચે 6,34,242 વૃક્ષો વાવવાનો દાવો કરાયો છે.