સસરાએ પુત્રને કહ્યું, ‘આ સડી ગયેલ છે, તારા બાળકો પણ આવા જ થશે’

ઢેબર રોડ ન્યૂ લાલબહાદુર સોસાયટીમાં રહેતા વિધિબેન ગોતમી (ઉં.વ.30)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જામનગર વર્ધમાનનગરમાં રહેતા તેમના પતિ ભાર્ગવ ગોતમી, સસરા નરેન્દ્રભાઈ, સાસુ નીપાબેન અને દિયર ભૌમિકનું નામ આપ્યું હતું. વિધિબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીના વર્ષ 2017માં ભાર્ગવ સાથે લગ્ન થયા હતા.

લગ્નના માત્ર 15 દિવસ સુધી જ લગ્નજીવન સારું રહ્યું ત્યારબાદ પતિ વેરાવળ નોકરી કરતાં હોય જેથી નોકરીએ જતા રહ્યા હતા અને પતિ સહિતના સાસરિયાં યેનકેન પ્રકારે ત્રાસ આપતા હતા. જે બાદ તેણીના ભાઈના ઘરે પુત્રીનો જન્મ થયો ત્યારે પણ પિયરે ન જવા દેવામાં આવતા તેણીના પિતા તેને તેડવા માટે સાસરીએ આવ્યા હતા, જે બાદ તેણી દોઢ વર્ષ સુધી રિસામણે રહી હતી. બન્ને વેરાવળ રહેજો તેમ કહી સાસરીવાળા સમાધાન કરવા માટે આવ્યા હતા. જેના છ વર્ષ સુધી બંને પતિ-પત્ની વેરાવળ રહ્યા હતા. બાદમાં સાસુ-સસરાએ તબિયત ખરાબ હોવાનું કહી જામનગર ખાતે બોલાવી લેતા પતિએ વેરાવળ તેની નોકરી મૂકી દીધી હતી.

ત્યારબાદ પરિણીતાને ટી.બી. બિમારી થતા સાસુ-સસરાએ પતિને કહ્યું, આ સડી ગયેલ છે. હવે તું આનાથી છૂટો થઇ જા અને આની સાથે પરિવાર વધારીશ તો તારા બાળકો પણ આવા જ થશે. આ ઉપરાંત તે અમારા દીકરાને માનસિક કરી નાખ્યો છે એ કઈ બોલતો જ નથી એમ કહી બંને પતિની કાન ભંભેરણી કરતા હતા. જે બાદ તેણીના પતિએ એક દિવસ માર્કેટમાં મોડું થઇ જતા તે બાબતે ઝઘડો કરી તેણીને પિયર મોકલી દેવા ઘરની બહાર કાઢી મૂકી હતી. જેથી તેણીએ 181 અભયમની ટીમને પણ બોલાવી હતી અને પરિણીતાના કાકાને ગાળો ભાંડવા લાગતા પોલીસ બોલાવી હતી. પોલીસે પતિ અને સાસુ-સસરાને લઇ જતા તેણી પોતાના પિયર આવી ગઈ હતી. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *