રાજકોટ જિલ્લામાં 23 લાખ મતદાર, 4 નવેમ્બરથી સરવે

એસ.આઈ.આર. મુજબ રાજકોટ જિલ્લામાં મતદારયાદીની સઘન પુનરાવર્તનની કામગીરી શરૂ કરાશે. રાજકોટ જિલ્લામાં 23 લાખ મતદાર છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 4 નવેમ્બરથી ડોર ટુ ડોર સરવે કામગીરી હાથ ધરવામાં આવશે. જિલ્લાના 2650 મતદાન બૂથ વિસ્તારમાં આ કામગીરી થશે. એસ.આઈ.આર. અંતર્ગત પહેલા અધિકારીઓને તાલીમ આપવામાં આવશે. રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીના જણાવ્યાનુસાર જે કેલેન્ડર જાહેર કર્યું છે તે મુજબ અધિકારીઓને તાલીમ આપવામાં આવશે. 4 નવેમ્બરથી કામગીરી શરૂ થશે. ડિસેમ્બરમાં હંગામી મતદારયાદી પ્રસિદ્ધ કરાશે અને ફેબ્રુઆરીમાં આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરી દેવાશે. બી.એલ.ઓ. ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે.

હંગામી મતદારયાદી પ્રસિદ્ધ થયા બાદ જાન્યુઆરી સુધી સુધારા-વધારા માટે દાવો કરી શકાશે. જે બાદ જિલ્લા ચૂંટણી અધિકારી તથા મુખ્ય ચુંટણી અધિકારી દાવાઓની સુનાવણી કરશે. નાગરિકતાના પુરાવા તરીકે જન્મના પ્રમાણપત્ર સહિત 12 દસ્તાવેજ માન્ય ગણવામાં આવશે.મતદારયાદી 103 દિવસની પ્રક્રિયામાં અપડેટ કરવામાં આવશે. નવા મતદારોના નામ ઉમેરવામાં આવશે અને મતદારયાદીમાં જોવા મળતી ભૂલો સુધારાશે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને અધિકારીઓ માટે ટ્રેનિંગ સેશન યોજાશે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *