જેતપુરના નવાગઢ ચોકડી વિસ્તારમાં મોબાઈલમાં ઓનલાઈન લુડો ગેમ રમવાના મામલે લોહિયાળ ખેલ ખેલાયો હતો. શરત લગાવીને લુડો રમી રહેલા બે મિત્રમાંથી જીતનારા યુવકે પોતાના પૈસા માગતાં બીજા યુવકે ઉશ્કેરાઈને છરી વડે હુમલો કર્યો હતો અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
નવાગઢ ચોકડી પાસે મુનાભાઈ મકવાણા અને વિરપાલભાઈ કાઠી પોતાના મોબાઈલમાં શરત લગાવીને લુડો ગેમ રમી રહ્યા હતા. ગેમ પૂર્ણ થતાં મુનાભાઈ મકવાણા જીતી ગયા હતા. આથી તેઓ શરતના જીતેલા રૂપિયા લઈને પોતાનું મોટર સાયકલ લઈને જઈ રહ્યા હતા.
તે જ સમયે વિરપાલ કાઠી નારાજ થઈ ગયો હતો અને આવેશમાં આવીને મુનાભાઈ પર છરી વડે હુમલો કરી દીધો હતો. પાંસડીના ભાગે છરીના ઘા વાગવાથી મુનાભાઈને ગંભીર ઇજા પહોંચી હતી અને ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો .
જો કે, તેની ઈજાઓ વધુ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા છે.આ ઘટના અંગે ઉદ્યોગ નગર પોલીસે ગુનો નોંધી ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને હુમલો કરનાર આરોપી વિરપાલભાઈ કાઠીની ધરપકડ કરી આગળની કાનૂની તપાસ શરૂ કરી છે